<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

ઘર ગિરવે મૂકી લગ્ન કર્યાઃ દુલ્‍હન બીજા દિવસે ભાગી ગઈ

પરણવાના અભરખા ભારે પડયા : પીડિત પરિવાર પાસે ન પૈસા રહ્યા છે ન વહુ, ન ઘરઃ છેતરપિંડીનો શિકાર થયેલો પરિવારે સિવિલ લાઈન પોલીસ સ્‍ટેશનમાં આવેદન આપી ન્‍યાયની માંગ કરી

છતરપુર,તા.૩૦: મધ્‍ય પ્રદેશના છતરપુર જિલ્‍લામાં લગ્નના નામ પર છેતરપિડીનો એક સનસનીખેજ મામલો સામે આવ્‍યો છે. અહીં એક લુટેરી દુલ્‍હને લગ્નના ખાલી બે દિવસ બાદ સાસરિયાવાળાને ચૂનો લગાવી દીધો. દાગીના લઈને રફુચક્કર થઈ ગઈ. આ છેતરપિડીએ એક ગરીબ પરિવારને પાઈ-પાઈ માટે મોહતાજ કરી દીધા.

દોઢ લાખમાં નક્કી થઈ હતી ડિલ આખો મામલો સિવિલ લાઈન વિસ્‍તારની દુર્ગા કોલોનીનો છે. અહીં રહેતા મનોજ અહિરવારના લગ્ન માટે તેના પાડોશમાં રહેતા વિક્કી સેને એક સંબંધ બતાવ્‍યો હતો. વિક્કીએ વચેટિયા બનીને આ લગ્ન નક્કી કરાવવા બદલ મનોજ પાસેથી દોઢ લાખ રૂપિયા લીધા હતા.

પૈસા મળ્‍યા બાદ ગત ૨૪ એપ્રિલ ૨૦૨૬ના રોજ જટાશંકર ધામમાં મનોજના લગ્ન આકાંક્ષા નામની યુવતી સાથે હિન્‍દુ રીતિ રિવાજ સાથે સંપન્ન થયા હતા. લગ્ન બાદ પરિવાર ખુશ હતો અને પોતાની નવી દુલ્‍હનને લઈ પૈતૃક ગામ સૈલા આવી ગયા. જ્‍યાં વૈવાહિક રસમો પૂરી કરવામાં આવી.

છેતરવાની અસલી પટકથા ૨૬ એપ્રિલના રોજ લખાયેલી હતી. દુલ્‍હન આકાંક્ષાએ નવી સાડી ખરીદવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરી. પોતાની પત્‍નીની ખુશી માટે પતિ મનોજ તેને મહારાજપુર બજારમાં લઈ ગયો. સાથે વચેટિયા વિક્કી સેન અને તેનો અન્‍ય એક સાથી આકાશ પ્રજાપતિ પણ સાથે ગયા હતા.

બજારની ભીડનો ફાયદો ઉઠાવી દુલ્‍હન આકાંક્ષા અચાનક ગાયબ થઈ ગઈ. તે પોતાની સાથે લગ્નના દાગીના અને કિમતી સામાન પણ લઈ ગઈ. જ્‍યારે મનોજે તેને શોધવાનું શરુ કર્યું તો તેને એક પછી એક મોટા ઝટકા લાગ્‍યા. દુલ્‍હન સાથે સાથે વચેટિયા વિક્કી અને આકાશ પણ ઘટનાસ્‍થળેથી ગાયબ જોવા મળ્‍યા.

પરેશાન મનોજે જ્‍યારે વચેટિયા વિક્કી સેનને ફોન લગાવ્‍યો તો તેણે પૈસા પરત નહીં કરવા અને મદદ કરવાની જગ્‍યા ગાળો આપવાનું શરુ કરી દીધું. વિક્કીએ મનોજને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી દીધી.

મનોજના પિતા અચ્‍છેલાલ અહિરવારે રડતા રડતા પોતાની આપવીતી જણાવી. તેમણે જણાવ્‍યું કે, પરિવારની આર્થિક સ્‍થિતિ ઠીક નથી. તેણે પોતાના દીકરાની ખુશીઓ માટે એકમાત્ર ઘરને ગિરવે મુકી દીધું હતું. જેથી લગ્ન માટે પૈસાની વ્‍યવસ્‍થા થાય. તેને જરાં પણ ખ્‍યાલ ન આવ્‍યો કે જે વહુને તેઓ ઘરે લાવી રહ્યા છે, તે લૂંટેરી નીકળશે.

હવે આ પીડિત પરિવાર પાસે ન પૈસા રહ્યા છે ન વહુ, ન ઘર. છેતરપિડીનો શિકાર થયેલો પરિવારે સિવિલ લાઈન પોલીસ સ્‍ટેશનમાં આવેદન આપી ન્‍યાયની માગ કરી છે. તેમણે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને લૂંટેલા દાગીના તથા પૈસા પાછા અપાવવાની અપીલ કરી છે. પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે.

 

(10:16 AM IST)