તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
ઓસ્કાર 2027માં ભારતનું પ્રતિનિધિત્વ કરતી મરાઠી થ્રિલર 'ગોંધલ'નું ગ્લોબલ રિલીઝ પહેલાં દેશના ૬ મેગા સિટીઝમાં થશે સ્પેશિયલ પ્રિવ્યૂ સ્ક્રીનિંગ!
૯૯મા એકેડેમી એવોર્ડ્સમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ થયેલી 'ગોંધલ'નું ૯ ઓક્ટોબરથી મુંબઈ, પુણે અને દિલ્હી સહિતના શહેરોમાં પ્રિવ્યૂ યોજાશે: મહારાષ્ટ્રની લોક સંસ્કૃતિ અને સાયકોલોજિકલ સસ્પેન્સનો અદભુત સંગમ

મુંબઈ, તા.02: ૯૯મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કાર ૨૦૨૭) માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ પામેલી બહુચર્ચિત મરાઠી સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ "ગોંધલ"નું છ ભાષાઓમાં થનારા વર્લ્ડવાઇડ રિલીઝ પહેલાં દેશના ૬ મુખ્ય શહેરોમાં ખાસ પ્રિવ્યૂ સ્ક્રીનિંગ યોજાશે. શુક્રવારે આ જાહેરાત કરતા ફિલ્મ નિર્માતાઓએ જણાવ્યું હતું કે, ૯ ઓક્ટોબરથી મુંબઈ, પુણે, દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગલુરુ જેવા મહાનગરોમાં પ્રેક્ષકો માટે આ વિશિષ્ટ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
પરંપરાગત વિધિથી શરૂ થતી એક જીવલેણ રમત
સંતોષ દવખર દ્વારા લિખિત અને નિર્દેશિત આ ફિલ્મ મહારાષ્ટ્રની ગ્રામીણ પરંપરાગત વિધિ, સંગીત અને પૌરાણિક વારસા 'ગોંધલ'ની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. ફિલ્મની વાર્તા સુમન નામની એક યુવાન નવવધૂની આસપાસ ફરે છે, જે લગ્ન જીવનમાં ગૂંગળામણ અનુભવે છે. તે પોતાના પતિ સર્જેરાવના 'ગોંધલ' વિધિ પ્રત્યેના ઝનૂનનો ઉપયોગ કરીને એક પવિત્ર ધાર્મિક પરંપરાને એક જીવલેણ માઇન્ડ-ગેમ અને ચેસની ચાલમાં ફેરવી નાખે છે. ફિલ્મમાં ઈશિતા દેશમુખ, કિશોર કદમ અને યોગેશ સોહોનીએ મુખ્ય ભૂમિકાઓ ભજવી છે.
૬ ભાષાઓમાં થિયેટ્રિકલ રિલીઝ પહેલાં સ્ક્રીનિંગ
સ્ક્રીનિંગની શરૂઆત ૯ ઓક્ટોબરે મુંબઈ અને પુણેના ચાર-ચાર થિયેટરોમાં થશે, જ્યાં આ પ્રિવ્યૂ મરાઠી અને હિન્દી ભાષામાં રજૂ કરવામાં આવશે. પ્રિવ્યૂ પૂર્ણ થયા બાદ આ ફિલ્મ ભારત અને વિદેશમાં એકસાથે મરાઠી, હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં વ્યાપકપણે રિલીઝ કરવામાં આવશે.
"થિયેટરનો સાચો અનુભવ દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ" - દાયરેક્ટર સંતોષ દવખર
ફિલ્મના દિગ્દર્શક સંતોષ દવખરે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "ગોંધલ માત્ર એક ફિલ્મ નથી પણ મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને માટીમાંથી જન્મેલી વાર્તા છે. ઓસ્કારમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાનું ગૌરવ મળ્યા બાદ, ફિલ્મના વાતાવરણ, ધ્વનિ અને સાયકોલોજિકલ સસ્પેન્સનો સાચો અનુભવ દર્શકોને થિયેટરમાં જ મળે તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. મને આશા છે કે દર્શકો કોઈ પણ પૂર્વધારણા વિના આ મનોવૈજ્ઞાનિક યાત્રાને માણશે."
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
