<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

મહારાષ્ટ્રની શાળાઓ માટે ‘મરાઠી’ હવે ફરજિયાત: નિયમ તોડ્યો તો રૂ. 1 લાખનો દંડ અને માન્યતા રદ થવાની તલવાર, સરકારે જાહેર કરી નવી કડક ગાઈડલાઈન!

CBSE, ICSE અને IB બોર્ડની શાળાઓએ પણ હવે મરાઠી ભણાવવી જ પડશે: ભાષાકીય અસ્મિતા જાળવવા શિંદે સરકારનો મોટો નિર્ણય - શિક્ષણ વિભાગના અધિકારીઓ હવે શાળાઓમાં કરશે ઓચિંતું ચેકિંગ

મુંબઈ | તા.18: મહારાષ્ટ્રમાં રહેતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હવે સ્થાનિક ભાષાનું જ્ઞાન મેળવવું અનિવાર્ય બની ગયું છે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યની તમામ શાળાઓમાં મરાઠી ભાષાને ફરજિયાત વિષય તરીકે ભણાવવા માટે નવી અને અત્યંત કડક ગાઈડલાઈન જાહેર કરી છે. આ નિયમ માત્ર રાજ્ય બોર્ડ પૂરતો મર્યાદિત નથી, પરંતુ CBSE, ICSE, IB અને IGCE જેવા તમામ આંતરરાષ્ટ્રીય અને કેન્દ્રીય બોર્ડની શાળાઓને પણ લાગુ પડશે.
નિયમ ઉલ્લંઘન પર ભારે દંડની જોગવાઈ
સરકારના નવા આદેશ મુજબ, જે શાળાઓ મરાઠી વિષય ભણાવવામાં આળસ કરશે અથવા નિયમોનું પાલન નહીં કરે તેમને રૂ. 1 લાખ સુધીનો તોતિંગ દંડ ફટકારવામાં આવશે. આટલું જ નહીં, વારંવાર નિયમ તોડનારી શાળાઓની એનઓસી (NOC) અને માન્યતા પણ રદ કરવાની કડક જોગવાઈ કરવામાં આવી છે. સરકારના આ આક્રમક વલણથી ખાનગી શાળાઓના સંચાલકોમાં દોડધામ મચી ગઈ છે.
શિક્ષણ વિભાગની સ્પેશિયલ ટીમ દ્વારા ચેકિંગ
મહારાષ્ટ્ર શિક્ષણ વિભાગ હવે માત્ર કાગળ પર આદેશ આપીને અટકી જવાનું નથી. રાજ્યના દરેક જિલ્લામાં શિક્ષણ અધિકારીઓના નેતૃત્વમાં સ્પેશિયલ ટીમો બનાવવામાં આવી છે, જે શાળાઓમાં જઈને રૂબરૂ તપાસ કરશે કે વિદ્યાર્થીઓને મરાઠી શીખવવામાં આવી રહી છે કે નહીં. જો કોઈ શાળા મરાઠી વિષયને બદલે અન્ય કોઈ વૈકલ્પિક વિષય થોપશે તો તેની સામે તુરંત કાર્યવાહી કરવામાં આવશે.
ભાષાકીય ગૌરવ માટે મહત્વનું પગલું
રાજ્ય સરકારનું માનવું છે કે મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને ઈતિહાસને સમજવા માટે મરાઠી ભાષા પાયાની જરૂરિયાત છે. ઘણા સમયથી એવી ફરિયાદો ઉઠી રહી હતી કે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં મરાઠી ભાષાને ગૌણ ગણવામાં આવે છે. આ ભેદભાવ દૂર કરવા અને નવી પેઢીને પ્રાદેશિક ભાષા સાથે જોડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હવેથી ધોરણ 1 થી 10 સુધીના અભ્યાસક્રમમાં મરાઠીને મુખ્ય અથવા ફરજિયાત ભાષા તરીકે સ્થાન આપવું દરેક શાળા માટે કાયદેસરની જરૂરિયાત બની ગઈ છે.

(12:34 AM IST)