તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
મુંબઈમાં મરાઠી પાટિયાં ફરજિયાત: નિયમ તોડનાર ૧૦ લાખ દુકાનોની તપાસ, સરકારે વસૂલ્યો કરોડોનો દંડ
મરાઠી ભાષાના સાઈનબોર્ડ મુદ્દે BMC કડક: સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે આકરા પગલાં

મુંબઈ, તા. 11: મુંબઈમાં મરાઠી ભાષાના ગૌરવ અને તેની અનિવાર્યતાનો મુદ્દો ફરી એકવાર જોરશોરથી ગરમાયો છે. શહેરની તમામ દુકાનો અને વ્યાપારી સંસ્થાઓ પર મરાઠી (દેવનાગરી) લિપિમાં સાઈનબોર્ડ લગાવવા ફરજિયાત હોવાના નિયમનું ચુસ્ત પાલન કરાવવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ કમર કસી છે. વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા અઢી વર્ષમાં પાલિકાએ ૧૦ લાખથી વધુ સંસ્થાઓની તપાસ કરી નિયમભંગ કરનાર પાસેથી લાખો રૂપિયાનો દંડ વસૂલ્યો છે.
શું છે સમગ્ર મામલો?
વિધાનસભામાં ધારાસભ્ય સંતોષ દાનવે દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સ્પષ્ટ કર્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ના આદેશ અનુસાર મુંબઈની દરેક દુકાન કે એસ્ટાબ્લિશમેન્ટ પર મરાઠીમાં સાઈનબોર્ડ હોવું કાયદેસર રીતે અનિવાર્ય છે. આ નિયમનું પાલન ન કરનાર વેપારીઓ સામે પાલિકા તંત્ર સતત કાર્યવાહી કરી રહ્યું છે. નવેમ્બર ૨૦૨૩થી જૂન ૨૦૨૬ સુધીના ગાળામાં પાલિકાએ વ્યાપક ઝુંબેશ ચલાવી મુંબઈની વ્યાપારી સંસ્થાઓનું ઈન્સ્પેક્શન કર્યું હતું.
દંડની મોટી રકમ અને કાર્યવાહીના આંકડા
સરકારી અહેવાલ મુજબ, મુખ્ય રસ્તાઓ પર આવેલી ૨ લાખથી વધુ સ્થાપનાઓમાંથી મોટાભાગની સંસ્થાઓએ મરાઠી પાટિયાં લગાવી દીધા છે, પરંતુ ૬,૩૨૦ સંસ્થાઓ સામે કાર્યવાહીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ પૈકી ૩,૮૬૧ સંસ્થાઓ પાસેથી ૧.૯૫ કરોડ રૂપિયાથી વધુનો જંગી દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત, ૧,૦૦૩ સંસ્થાઓએ ૧.૦૨ કરોડ રૂપિયાની ચક્રવૃદ્ધિ ફી ચૂકવીને પોતાના કેસોનો નિકાલ કર્યો છે, જ્યારે ૧,૪૫૬ કેસ હજુ પણ કાનૂની ગૂંચવણોને લીધે કોર્ટમાં પેન્ડિંગ છે.
અધિકારીઓની અછત અને આગામી રણનીતિ
આટલી મોટી કાર્યવાહી છતાં, પાલિકા તંત્રમાં કર્મચારીઓની અછત એક મોટો પડકાર બનીને સામે આવી છે. સરકારના સ્વીકાર મુજબ, મંજૂર ૧૨૧ જગ્યાઓ સામે હાલમાં માત્ર ૫૩ અધિકારીઓ જ કાર્યરત છે, જ્યારે ૬૮ જગ્યાઓ ખાલી છે. જોકે, આ ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાનું સરકારે જણાવ્યું છે. મે મહિનામાં હાથ ધરાયેલી ખાસ નિરીક્ષણ ઝુંબેશ બાદ હવે પાલિકા 'જનજાગૃતિ અભિયાન' પર પણ ભાર મૂકી રહી છે, જેથી વેપારીઓ પોતે જ નિયમોનું સ્વેચ્છાએ પાલન કરે. મુંબઈમાં મરાઠી અસ્મિતાના આ મુદ્દે સરકારની કડક વલણ આગામી સમયમાં પણ જળવાઈ રહેવાની સંભાવના છે.
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
