<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

કેરી છે કે કોહિનૂર? જબલપુરમાં એક કિલો કેરીની કિંમત ₹2.70 લાખ, સુરક્ષામાં તૈનાત છે 20 શિકારી કૂતરા!

જાપાનની 'મિયાઝાકી' કેરીએ મધ્યપ્રદેશના ખેડૂતને બનાવ્યો સેલિબ્રિટી; 'સૂર્યના ઈંડા' સમાન લાલચટ્ટક ફળની રક્ષા માટે Z+ લેવલનું ફોર્સ : CCTV કેમેરા અને વિદેશી જર્મન શેફર્ડનું પેટ્રોલિંગ : એક કેરીની કિંમતમાં આવી શકે છે આખી કાર!

જબલપુર: મધ્યપ્રદેશના જબલપુરથી ૨૫ કિલોમીટર દૂર હિનૌટા ગામમાં આવેલું 'શ્રી મહાકાલેશ્વર હાઇબ્રિડ ફાર્મહાઉસ' અત્યારે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ કોઈ સામાન્ય બગીચો નથી, પરંતુ એક એવો કિલ્લો છે જ્યાં રક્ષણ પામતું ફળ સોના કરતાં પણ મોંઘું છે. બગીચાના માલિક સંકલ્પ પરિહારે અહીં જાપાનની પ્રખ્યાત 'મિયાઝાકી' કેરી ઉગાડી છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત પ્રતિ કિલોગ્રામ આશરે ₹2.70 લાખ છે. આ અમૂલ્ય પાકને ચોરોથી બચાવવા માટે અહીં ૨૦ ભયંકર વિદેશી શિકારી કૂતરા (જર્મન શેફર્ડ) અને ૧૫ થી વધુ હાઈ-ટેક સીસીટીવી કેમેરા ચોવીસ કલાક કાર્યરત છે. સુરક્ષા એટલી કડક છે કે પક્ષી પણ પરવાનગી વગર અહીં પાંખ મારી શકતું નથી.

આ કેરીને જાપાનમાં 'તાઈયો નો ટામાગો' એટલે કે 'સૂર્યનું ઈંડું' કહેવામાં આવે છે. પાક્યા પછી ઘેરા લાલ અને જાંબલી રંગની દેખાતી આ કેરી માત્ર સ્વાદમાં જ અજોડ નથી, પરંતુ તે એન્ટી-ઓક્સિડન્ટ્સથી પણ ભરપૂર છે. સંકલ્પના ૪ એકરના આ ફાર્મમાં માત્ર મિયાઝાકી જ નહીં, પણ અફઘાનિસ્તાનની ૫ કિલોની 'નૂરજહાં', અમેરિકાની કાળી કેરી અને ચીનની 'આઈવરી' જેવી ૫૦ થી વધુ દુર્લભ પ્રજાતિઓ લહેરાઈ રહી છે. ગયા વર્ષે થયેલી એક મોટી ચોરી બાદ સંકલ્પે આ 'Z+ સુરક્ષા' જેવી વ્યવસ્થા ઉભી કરી છે, જેથી તેમની વર્ષોની મહેનત અને આ મોંઘાદાટ ફળો સુરક્ષિત રહે.

બગીચાની મુલાકાતે આવતા લોકો કેરીની સુંદરતા અને તેની કિંમત સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે. અહીં દરેક કેરીને જંતુઓ અને સીધા સૂર્યપ્રકાશથી બચાવવા માટે ખાસ 'ગ્રો બેગ' માં પેક કરવામાં આવે છે અને સંપૂર્ણપણે ઓર્ગેનિક પદ્ધતિથી ઉછેરવામાં આવે છે. મુલાકાતીઓ મજાકમાં કહે છે કે, "આ કેરી ખાવા માટે તો બેંકમાંથી પર્સનલ લોન લેવી પડશે!" સંકલ્પ પરિહારની આ પહેલે સાબિત કર્યું છે કે જો આધુનિક ટેકનોલોજી અને વૈશ્વિક જાતોનો સમન્વય કરવામાં આવે, તો ભારતીય ખેતી પણ લાખોનો નફો કરતો ઉદ્યોગ બની શકે છે.

(8:56 PM IST)