તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
કોલકાતામાં હોબાળો : મમતા બેનર્જીએ ભરી સભામાં પોતાના જ પક્ષના કાર્યકર્તાને ચોડી દીધી થપ્પડ: સણસણતો વીડિયો વાયરલ થતાં રાજકારણ ગરમાયું
ટીએમસીના વિરોધ પ્રદર્શન દરમિયાન રસ્તો સાફ કરી રહેલા યુવક પર તૃણમૂલ સુપ્રીમોએ ગુસ્સો ગુમાવ્યો : ભાજપના સાંસદે વીડિયો શેર કરી પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રીના અહંકાર પર આકરા પ્રહારો કર્યા

કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકારણમાં હંમેશાં પોતાના આક્રમક મિજાજ માટે જાણીતા તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી ફરી એકવાર ભારે વિવાદમાં સપડાયા છે. કોલકાતામાં યોજાયેલા પક્ષના એક હાઈપ્રોફાઈલ વિરોધ પ્રદર્શન દરમિયાન મમતા બેનર્જીએ જાહેરમાં પોતાના જ એક પક્ષના સક્રિય કાર્યકર્તાને જોરદાર થપ્પડ મારી દીધી હતી. આ ચોંકાવનારી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જોતજોતામાં વાયરલ થઈ જતાં બંગાળના રાજકીય વર્તુળોમાં ભારે હોબાળો મચી ગયો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે દીદી આટલા બધા ગુસ્સે કેમ થઈ ગયા?
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન ભારે ભીડ એકઠી થઈ હતી અને ચારેય તરફ અરાજકતાનો માહોલ હતો. આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસનો જ એક વફાદાર કાર્યકર્તા મમતા બેનર્જીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભીડને કાબૂમાં લેવાનો અને દીદી માટે આગળ વધવાનો રસ્તો સાફ કરવાનો તનતોડ પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ, અચાનક જ કોઈ અકળ કારણોસર મમતા બેનર્જીએ પોતાનો પિત્તો ગુમાવી દીધો હતો. રસ્તો બનાવી રહેલા તે યુવકની વફાદારીની કદર કરવાને બદલે દીદીએ ગુસ્સામાં આવીને જાહેરમાં તેના ગાલ પર સણસણતો તમાચો ઝીંકી દીધો હતો, જેને જોઈને ત્યાં હાજર અન્ય નેતાઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
આ ઘટના સામે આવતા જ વિપક્ષ ભારતીય જનતા પાર્ટીએ મમતા બેનર્જી અને ટીએમસીને આડે હાથ લીધા છે. ભાજપના સાંસદ રાજુ બિસ્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ થપ્પડબાજીનો વીડિયો શેર કરીને મમતા બેનર્જીની આકરી ટીકા કરી છે. બિસ્તાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, જે વ્યક્તિ મમતા બેનર્જી માટે રસ્તો બનાવવાની સેવા કરી રહ્યો હતો, તેને જ નેતાના અહંકારનો ભોગ બનવું પડ્યું. ભાજપે આ ઘટનાને ટીએમસીની આંતરિક માનસિકતા ગણાવીને પછાત અને સામાન્ય કાર્યકરોના અપમાનનો મુદ્દો બનાવ્યો છે, જ્યારે બીજી તરફ આ વાયરલ વીડિયોએ ટીએમસી બેકફૂટ પર લાવી દીધી છે.
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
