તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
બંગાળમાં કાઉન્ટિંગ પૂર્વે મમતા બેનર્જીનો માસ્ટરપ્લાન: ભાજપ નજીવા મતે આગળ હોય તો તુરંત રિ-કાઉન્ટિંગ કરાવવા એજન્ટોને હાઈએલર્ટ પર રહેવા આદેશ
શેરબજારને પ્રભાવિત કરવા એક્ઝિટ પોલનો ખેલ ખેલાયો હોવાનો અભિષેક બેનર્જીનો સનસનીખેજ દાવો: સવારે 6 વાગ્યાથી ગણતરી કેન્દ્રો પર મોરચો સંભાળવા અને પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી મેદાન ન છોડવા તૃણમૂલ સુપ્રીમોની કડક સૂચના

કોલકાતા :પશ્ચિમ બંગાળમાં આવતીકાલે યોજાનારી નિર્ણાયક મતગણતરી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ પાર્ટીના કાઉન્ટિંગ એજન્ટો સાથે દોઢ કલાક સુધી મેરેથોન બેઠક યોજી રણનીતિ ઘડી કાઢી છે. દીદીએ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જો કોઈ બેઠક પર ભાજપ 500 થી 1000 જેવા નજીવા મતોથી આગળ જણાતું હોય, તો જરાય વિલંબ કર્યા વગર તરત જ રિ-કાઉન્ટિંગની માંગણી કરવી. એજન્ટોને સવારે 6 વાગ્યાથી જ કેન્દ્રો પર તૈનાત થઈ જવા અને છેક સુધી મક્કમ રહેવા તાકીદ કરવામાં આવી છે, જેથી સહેજ પણ બેદરકારીને અવકાશ ન રહે.
આ બેઠકમાં અભિષેક બેનર્જીએ એક્ઝિટ પોલના આંકડાઓને શેરબજાર સાથે જોડાયેલું ષડયંત્ર ગણાવી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તૃણમૂલ આ વખતે 2021 ના રેકોર્ડને તોડી 200 થી વધુ બેઠકો પર વિજયધ્વજ લહેરાવશે. કેન્દ્રીય દળો દ્વારા કાર્યકરોને હેરાન કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે તેમણે અસંવિધાનિક આચરણ કરનાર અધિકારીઓ સામે કાનૂની જંગ છેડવાની પણ તૈયારી બતાવી છે. પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ખુદ મમતા બેનર્જી લીલી ઝંડી ન આપે ત્યાં સુધી કોઈએ ગણતરી કેન્દ્ર છોડવાનું રહેશે નહીં.
તૃણમૂલ કોંગ્રેસે તેના એજન્ટોના રોકાણ માટે ગણતરી કેન્દ્રોની આસપાસની હોટલોમાં અગાઉથી વ્યવસ્થા કરી છે, જેથી સમયસર હાજરી સુનિશ્ચિત કરી શકાય. મમતા બેનર્જીએ કાર્યકરોમાં જોશ પૂરતા જણાવ્યું છે કે લોકશાહીના આ પર્વમાં છેલ્લી ઘડી સુધીની સતર્કતા જ જીતની ગેરંટી બનશે. હવે આખા દેશની નજર બંગાળના આ હાઈ-વોલ્ટેજ જંગના પરિણામો પર ટકેલી છે, જેમાં મમતા બેનર્જીની આક્રમક રણનીતિ ભાજપ માટે કેટલો પડકાર ઊભો કરશે તે જોવું રસપ્રદ રહેશે.
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
