<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

માલવિયા નગર અગ્નિકાંડ: ૨૧ મોતના ગુનેગાર હોટલ માલિકની ધરપકડ : આલીશાન બંગલાની દિવાલ પર લટકતા ૨૬ AC જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી

માત્ર ૬ રૂમનું લાયસન્સ હોવા છતાં બેઝમેન્ટથી લઈને પાંચમા માળ સુધી ૨૫ રૂમનું મોતનું જાળું બિછાવી નિર્દોષોના જીવ લેનાર લવેકેશ બજાજના વૈભવી સાકેત હાઉસ પર દરોડા

નવી દિલ્હી: દિલ્હીના માલવિયા નગર વિસ્તારમાં ૨૧ નિર્દોષ લોકોનો ભોગ લેનારા ભયાનક અગ્નિકાંડ બાદ આખરે ફરાર હોટલ માલિક લવેકેશ બજાજ પોલીસના સિકંજામાં આવી ગયો છે. ઘટના બાદથી જ ધરપકડથી બચવા માટે ભાગતા ફરતા લવેકેશને પકડવા પોલીસે દરોડાની શ્રેણી શરૂ કરી હતી. તપાસ દરમિયાન દક્ષિણ દિલ્હીના પોશ સાકેત વિસ્તાર (D-140) માં આવેલા તેના ૫૦૦ યાર્ડના ચાર માળના આલીશાન બંગલાનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વૈભવી ઘરની પાછળની દિવાલ પર એકસાથે ૨૬ એસી (AC) યુનિટ્સ લગાવેલા જોઈને તપાસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા, જે તેના પરિવારની ગર્ભશ્રીમંતતા અને વૈભવની ચાડી ખાય છે.

પોલીસ તપાસમાં માલિકની ભયાનક અને ગુનાહિત બેદરકારીના પુરાવા મળ્યા છે. લવેકેશ બજાજ જે બિલ્ડિંગમાં હોટલ ચલાવતો હતો, તેની પાસે માત્ર ૬ રૂમના "બેડ એન્ડ બ્રેકફાસ્ટ" મોડેલનું કાયદેસર લાયસન્સ હતું. આ મંજૂરીને ઘોળીને પી જઈને તેણે પાંચ માળની બિલ્ડિંગમાં ગેરકાયદેસર રીતે ૨૫ રૂમ ઊભા કરી દીધા હતા. આટલું જ નહીં, સુરક્ષાના તમામ નિયમોને નેવે મૂકીને બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને ટેરેસ સુધી મહેમાનોને રાખવામાં આવતા હતા. બિલ્ડિંગમાં આગથી બચવાના સાધનો કે વેન્ટિલેશન (હવાની અવરજવર) જેવી કોઈ જ પ્રાથમિક સુવિધા નહોતી, જેને કારણે આગ લાગતા જ આખી હોટલ ગેસ ચેમ્બર બની ગઈ હતી.

અગ્નિકાંડ સર્જીને ફરાર થયેલા લવેકેશ અને તેના ભાઈઓ સામે પોલીસે કડક કાનૂની ગાળિયો કસ્યો છે. આ ધરપકડ બાદ દિલ્હીના માલવિયા નગર અને તેની આસપાસના રહેણાંક વિસ્તારોમાં ધમધમતી આવી ગેરકાયદેસર હોટલો, પેઇંગ ગેસ્ટ અને ગેસ્ટ હાઉસ સામે પ્રશાસને સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ કેસમાં કાયદાકીય છટકબારીઓનો લાભ ન મળે તે માટે તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે અને આ કાંડમાં સંડોવાયેલા અન્ય તમામ કસૂરવારોને ટૂંક સમયમાં જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.

(10:49 PM IST)