તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
અમેરિકાના ન્યૂ જર્સીમાં ભારે વરસાદથી મોટી દુર્ઘટના:વિશાળ સુપરમાર્કેટની છત અચાનક તૂટી પડી:ગ્રાહકોમાં અફરાતફરી
દુર્ઘટના દરમિયાન શોપિંગ મોલમાં અનેક લોકો ખરીદી કરી રહ્યા હતા. સદનસીબે કોઈ પણ વ્યક્તિને જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી

અમેરિકાના ન્યૂ જર્સીમાં એક અત્યંત ચોંકાવનારી દુર્ઘટના ઘટી છે. ભારે વરસાદના કારણે મનમથ કાઉન્ટીમાં આવેલા એક મોટા સુપરમાર્કેટની છત અચાનક તૂટી પડતા અફરાતફરી મચી ગઈ હતી. જે સમયે આ ભયાનક દુર્ઘટના બની ત્યારે સ્ટોરની અંદર 27 લોકો હાજર હતા. જો કે આટલા મોટા અકસ્માત છતાં કોઈનો જીવ ગયો નથી. તમામ લોકો સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા.
ન્યૂ જર્સીના ઓશન ટાઉનશિપમાં આવેલ બીજે હોલસેલ ક્લબ ખાતે આ ઘટના બની હતી. સોમવારે સવારે લગભગ 11:15 વાગ્યે સામાન્ય દિવસની જેમ ગ્રાહકો પોતાની ખરીદીમાં વ્યસ્ત હતા. અચાનક સ્ટોરની વિશાળ છતનો મોટો હિસ્સો તાશના પત્તાની જેમ ધરાશાયી થયો હતો. છત પડતાની સાથે જ સ્ટોરની અંદર વરસાદી પાણીનું પૂર આવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને જોતા જ લોકોના રૂંવાડા ઉભા થઈ જાય છે.
ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ જ્યારે છત પડી ત્યારે સ્ટોરની અંદર 27 લોકો હાજર હતા. દુર્ઘટના પછી સમગ્ર સ્ટોરમાં ચીસાચીસ અને દોડધામ મચી ગઈ હતી. બે લોકો મલબામાં આંશિક રીતે ફસાયા હતા, પરંતુ તેમણે પોતાની સૂઝબૂઝ વાપરીને બહાર નીકળવામાં સફળતા મેળવી હતી. આ અકસ્માતમાં કોઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું નથી. સ્થાનિક પ્રશાસને ઘટનાની ગંભીરતા જોઈને તુરંત જ બચાવ કામગીરી શરૂ કરી હતી.
સ્થાનિક પોલીસ અને શેરિફ ઓફિસની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને મોટું સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. મલબામાં કોઈ ફસાયેલું ન રહે તે માટે હાઈટેક ઇન્ડોર ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ડ્રોને જોખમી બનેલી બિલ્ડિંગની અંદર જઈને સ્પષ્ટ તસવીરો લીધી હતી. આ ઉપરાંત ન્યૂ જર્સી અર્બન સર્ચ એન્ડ રેસ્ક્યુની કે-9 ડોગ સ્ક્વોડ ટીમે પણ મલબાની ઝીણવટભરી તપાસ કરી હતી.
મનમથ કાઉન્ટીના શેરિફ શૉન ગોલ્ડને બચાવ ટુકડીની કામગીરીના વખાણ કર્યા હતા. ઓશન ટાઉનશિપના પોલીસ ચીફ માઈકલ સોરેન્ટિનોએ સ્થાનિક નાગરિકોને આ વિસ્તારથી દૂર રહેવા સૂચના આપી છે. હાલમાં આ વિસ્તારને સુરક્ષિત કરવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે કે આટલી મોટી છત કયા કારણોસર નબળી પડી હતી. લોકો માટે આ ઘટના એક મોટો ઈશ્વરીય ચમત્કાર સમાન છે કે કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
