તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
હરિયાણાના કુરુક્ષેત્રમાં મોટી આતંકી સાજીશ નિષ્ફળ? પાર્ક કરેલી લક્ઝરી કારમાંથી જીવતો હેન્ડ ગ્રેનેડ મળી આવતા ફફડાટ, STF અને બોમ્બ સ્ક્વોડ દોડતા થયા!
ગેરકાયદે હથિયારો સાથે ઝડપાયેલા શખ્સે પૂછપરછમાં ખોલ્યું ગ્રેનેડનું રહસ્ય; મોટર યાર્ડમાં ઉભેલી સ્કોડા કારમાં છુપાવ્યો હતો વિસ્ફોટક, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કુરુક્ષેત્ર (હરિયાણા), તા.૧૩: હરિયાણાના કુરુક્ષેત્રમાં આવેલા શાહાબાદ વિસ્તારમાં આજે ત્યારે ભારે અફરાતફરી મચી ગઈ જ્યારે એક લાવારિસ જેવી હાલતમાં પડેલી સ્કોડા કારમાંથી જીવતો હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો. ખાંડ મિલ પાસે બનેલી આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ મામલો અત્યંત ગંભીર હોવાનું જણાતા તાત્કાલિક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને બોલાવવામાં આવી હતી.
આરોપીના રિમાન્ડ દરમિયાન થયો મોટો ખુલાસો
આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે અંબાલા STF એ બે દિવસ પહેલા સૂર્ય પ્રતાપ નામના એક શખ્સની ગેરકાયદે પિસ્તોલ સાથે ધરપકડ કરી હતી. રિમાન્ડ દરમિયાન કડક પૂછપરછમાં સૂર્ય પ્રતાપે કબૂલાત કરી હતી કે તેણે શાહાબાદ-લાડવા રોડ પર આવેલા એક મોટર યાર્ડમાં પોતાની સ્કોડા કાર પાર્ક કરી છે અને તેની અંદર એક હેન્ડ ગ્રેનેડ છુપાવ્યો છે. આરોપીના આ ઘટસ્ફોટથી સુરક્ષા એજન્સીઓના કાન સરવા થયા હતા અને તાત્કાલિક દરોડો પાડવામાં આવ્યો હતો.
વિસ્તારને છાવણીમાં ફેરવી દેવાયો
આરોપીના ઈશારે જ્યારે પોલીસ અને STF ઘટનાસ્થળે પહોંચી, ત્યારે કારમાંથી ખરેખર જીવતો ગ્રેનેડ મળી આવ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે ભારે જહેમત બાદ ગ્રેનેડને સુરક્ષિત રીતે કબજે કરી તેને નિષ્ક્રિય (Diffuse) કર્યો હતો. જો આ વિસ્ફોટ થયો હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. એજન્સીઓએ હાલ સમગ્ર મોટર યાર્ડ અને તેની આસપાસના વિસ્તારને સીલ કરી દીધો છે.
મોટી ગેંગ કે આતંકી કનેક્શનની આશંકા?
આટલી શક્તિશાળી વિસ્ફોટક સામગ્રી એક સામાન્ય ગુનેગાર પાસે ક્યાંથી આવી અને તેનો હેતુ શું હતો, તે અંગે અત્યારે સઘન તપાસ ચાલી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ કોઈ મોટા આતંકી હુમલાનું કાવતરું હતું કે પછી કોઈ ગેંગસ્ટર સાથે જોડાયેલો મામલો છે. આ ઘટનાએ કુરુક્ષેત્ર સહિત આખા હરિયાણામાં ચકચાર જગાવી દીધી છે અને અન્ય સાથીદારોની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
