હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દશેરા પૂર્વે અમૃતસરમાં મોટા આતંકી કાવતરાનો પર્દાફાશ: પોલીસ સ્ટેશન અને અધિકારી પર હુમલાની ફિરાકમાં રહેલા ISIના ૩ આતંકી ઝડપાયા!
પાકિસ્તાની ડ્રોનથી ફેંકાયેલા હેન્ડ ગ્રેનેડ, ગ્લોક પિસ્તોલ અને કારતૂસ જપ્ત: અટારી બોર્ડર નજીકથી નંબર પ્લેટ વિનાની બાઇક પર જતા કટ્ટરપંથીઓને પોલીસે ઘેરીને દબોચ્યા!

અમૃતસર: દશેરાના તહેવાર પૂર્વે સરહદી જિલ્લા અમૃતસરમાં પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI દ્વારા ઘડાયેલા એક ભયાનક આતંકવાદી કાવતરાને પંજાબ પોલીસે નિષ્ફળ બનાવ્યું છે. પાકિસ્તાન બેઝ્ડ હેન્ડલરના સીધા ઈશારે પંજાબમાં લોહિયાળ ખેલ ખેલવાની યોજના બનાવી રહેલા ત્રણ ISI ઓપરેટિવ્સની પોલીસે રંગેહાથ ધરપકડ કરી લીધી છે. આ આતંકીઓ દશેરાના પવિત્ર પર્વ પહેલા પોલીસ બિલ્ડિંગ પર હેન્ડ ગ્રેનેડ ફેંકવાની અને એક વરિષ્ઠ પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા (ટાર્ગેટ કિલિંગ) કરવાની ફિરાકમાં હતા.
ઘરિંડા પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટર રાજબીર સિંહ અને તેમની ટીમને ચોક્કસ ગુપ્ત બાતમી મળી હતી કે ત્રણ શંકાસ્પદ શખ્સો નંબર પ્લેટ વગરની બાઇક પર હથિયારોનો જથ્થો લઈને અટારી સેક્ટર તરફથી આવી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક ઘેરાબંધી કરીને ત્રણ આરોપીઓ નવદીપ સિંહ (રહે. ફતેહગઢ કોરોટલાન, ધરમકોટ, મોગા), સેમ્યુઅલ મસીહ ઉર્ફે સમુ અને સંદીપ સિંહ ઉર્ફે ટીડી (બંને રહે. મોગા) ને પકડી પાડ્યા હતા. જ્યારે આ કેસમાં સામેલ અન્ય એક આરોપી હરમન (રહે. દૌલતપુર) હજુ ફરાર છે.
ધરપકડ કરાયેલા આરોપીઓની તલાશી લેતા તેમની પાસેથી એક ચાઇનીઝ/ઓટોમેટિક ગ્લોક પિસ્તોલ, ૫ જીવતા કારતૂસ અને એક ઘાતક હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ તમામ હથિયારો પાકિસ્તાની ડ્રોન મારફતે ભારતીય સીમામાં ડ્રોપ કરવામાં આવ્યા હતા. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓના કબજામાંથી જપ્ત કરાયેલા ચાર મોબાઈલ ફોનમાંથી મોટાભાગનો ડેટા ડિલીટ કરી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ઘરિંડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
