News of Tuesday, 29th September 2026
અરુણાચલ પ્રદેશમાં ભારત-મ્યાનમાર સરહદ નજીક મોટો આતંકી હુમલો: આસામ રાઈફલ્સની ટીમ પર શંકાસ્પદ ઉગ્રવાદીઓનું અંધાધૂંધ ફાઈરિંગ; ૧ જવાન શહીદ, ૪ ગંભીર રીતે ઘાયલ
બોર્ડર ફેન્સિંગની કામગીરી દરમિયાન શાંત વાતાવરણમાં સવારે ૬:૩૦ વાગ્યે હુમલો; AFSPA કાયદાની મુદત લંબાવવાના કેન્દ્રના નિર્ણય વચ્ચે ઉગ્રવાદી સંગઠન NSCN (K-YA) શંકાના ઘેરામાં

ઈટાનગર, તા.29: ઉત્તર-પૂર્વ ભારતની સરહદો પર ફરી એકવાર આતંકનો કાળો પડછાયો મંડરાયો છે. અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લામાં ભારત-મ્યાનમાર આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પેટ્રોલિંગ કરી રહેલા ૨૧ આસામ રાઈફલ્સના જવાનો પર શંકાસ્પદ ઉગ્રવાદીઓએ કાયરતાપૂર્ણ હુમલો કર્યો છે. આ અચાનક થયેલા ગોળીબારમાં આસામ રાઈફલ્સના એક બહાદુર જવાન શહીદ થયા છે, જ્યારે અન્ય ચાર જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
બોર્ડર ફેન્સિંગની કામગીરી સમયે કાયરતાપૂર્ણ ઘાત લગાવી હુમલો
મળતી પ્રાથમિક વિગતો મુજબ, આ સનસનાટીભરી ઘટના મંગળવારે સવારે આશરે ૬:૩૦ વાગ્યાની આસપાસ નામપોંગ સર્કલ હેઠળ આવેલા નામપોંગ નાલા વિસ્તારમાં બની હતી. ૨૧ આસામ રાઈફલ્સના જવાનો ભારત-મ્યાનમાર સરહદ નજીક જ્યાં વાડ (બોર્ડર ફેન્સિંગ) બનાવવાનું કામ ચાલી રહ્યું છે તે સંવેદનશીલ વિસ્તારમાં રૂટિન પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન ઝાડીઓમાં છુપાઈને બેઠેલા શંકાસ્પદ ઉગ્રવાદીઓએ અચાનક સુરક્ષા દળો પર અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ઘાતક હુમલામાં ૪૨ વર્ષીય હવાલદાર જાનખોકાઈ કુકી શહીદ થયા હતા, જ્યારે ૪ જવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન તેજ; NSCN (K-YA) પર આશંકા
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વધારાની સૈન્ય ટુકડીઓને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે અને સમગ્ર ચાંગલાંગ વિસ્તારને ઘેરીને આતંકીઓનો સફાયો કરવા માટે ઘનઘોર જંગલોમાં કોમ્બિંગ ઓપરેશન તેજ કરી દેવાયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલા પાછળ ઈશાન ભારતમાં સક્રિય પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન NSCN (K-YA) નો હાથ હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. ચાંગલાંગના એસપી કિર્લી પાદુએ પણ ઘટનાની પુષ્ટિ કરતા સ્થળ પરથી વધુ પુરાવા એકત્રિત કરવા પોલીસ ટીમને નિર્દેશ આપ્યા છે.
AFSPA લંબાવવાના આદેશના બે દિવસ પહેલા જ રક્તપાત
આ દિલધડક ઘટના એવા સમયે બની છે જ્યારે કેન્દ્ર સરકારે અરુણાચલ પ્રદેશના અશાંત વિસ્તારો જેવાં કે તિરાપ, ચાંગલાંગ અને લોંગડિંગમાં 'આર્મ્ડ ફોર્સીસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ, ૧૯૫૮' (AFSPA) ને વધુ છ મહિના માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે, જે ૧ ઓક્ટોબરથી અમલમાં આવનાર છે. કેન્દ્રના આ નિર્ણયના માત્ર બે દિવસ પહેલા જ ઉગ્રવાદીઓએ આ લોહિયાળ હુમલાને અંજામ આપીને ભારત-મ્યાનમાર સરહદે સુરક્ષા વ્યવસ્થા સામે ભારે પડકાર ફેંક્યો છે.
(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
