તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
મુંબઈમાં ઓટો-ટેક્સીના ભાડામાં મોટો ગોટાળો: ઈલેક્ટ્રોનિક સર્કિટ ફિટ કરી મુસાફરોને લૂંટતી ટોળકીનો દહિસર પોલીસે કર્યો પર્દાફાશ, ૫ ની ધરપકડ!
ડમી ગ્રાહક બનીને પોલીસે મીટરની ગરબડ પકડી: RTO ની તપાસમાં ખુલી પોલ, બે રિક્ષા અને ત્રણ ટેક્સી-કેબ સાથે ઈલેક્ટ્રિશિયન સમેત આખી ગેંગ જેલભેગી

મુંબઈ : માયાનગરી મુંબઈમાં ઓટો રિક્ષા અને ટેક્સીમાં મુસાફરી કરતા લોકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પ્રવાસીઓ પાસેથી વ્યાજબી ભાડા કરતાં વધુ પૈસા પડાવવાના હેતુથી મીટરમાં ગેરકાયદેસર 'ઈલેક્ટ્રોનિક રનિંગ સર્કિટ' (ઈલેક્ટ્રોનિક ડિવાઈસ) ફિટ કરીને લૂંટ ચલાવતી એક શાતિર ટોળકીને દહિસર પોલીસે ઝડપી પાડી છે. પોલીસે આ મામલે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને જે વાહનોના મીટરમાં ચેડાં કરવામાં આવ્યા હતા તે ઓટો અને ટેક્સી પણ જપ્ત કરી લીધી છે.
પોલીસે 'ડમી ગ્રાહક' મોકલીને ગોઠવી જાળ
મુંબઈના દહિસર વિસ્તારમાં ઓટો અને ટેક્સીના મીટરમાં ગેરરીતિ આચરીને મુસાફરો પાસેથી વધુ ભાડું વસૂલવામાં આવી રહ્યું હોવાની ગુપ્ત માહિતી પોલીસને મળી હતી. માહિતીની ખાતરી કરવા માટે પોલીસે એક ટેક્સીમાં પોતાના માણસને 'ડમી ગ્રાહક' બનાવીને મોકલ્યો હતો. સફર દરમિયાન મીટર ખૂબ જ ઝડપથી ભાગતું હોવાનું જણાઈ આવતાં પોલીસનો શંકા મજબૂત બન્યો હતો.
RTO તપાસમાં ખુલી ડિવાઈસની પોલ
પોલીસે શંકાસ્પદ ટેક્સીને કબજે કરીને તુરંત જ બોરીવલી RTO (રીજીયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ) ખાતે તપાસ માટે મોકલી આપી હતી. RTO ના અધિકારીઓએ મીટર ખોલીને તપાસ કરતાં તેમાંથી ગેરકાયદેસર રીતે ફિટ કરવામાં આવેલી 'ઈલેક્ટ્રોનિક રનિંગ સર્કિટ' મળી આવી હતી, જે મીટરના રીડિંગને કૃત્રિમ રીતે ઝડપી બનાવી દેતી હતી.
ઈલેક્ટ્રિશિયન સહિત ૫ આરોપીઓ જેલના સળિયા પાછળ
ટેક્સી ડ્રાઈવરની કડક પૂછપરછ કરતાં તેણે ખુલાસો કર્યો હતો કે, અમીન પઠાણ નામના ઓટો ડ્રાઈવર (જે ઈલેક્ટ્રિશિયનનું કામ પણ જાણે છે) એ આ ગેરકાયદે ડિવાઈસ ફિટ કરી આપ્યું હતું. પોલીસે તાત્કાલિક દરોડો પાડીને મુખ્ય સૂત્રધાર જોએબ અલ્તાફ દેશમુખ (૩૨), અમીન રમજાન પઠાણ (૩૧), રિયાઝ અબ્દુલગની શેખ (૪૫), નાઝીર ઈબ્રાહિમ પટેલ (૫૭) અને આનંદ કુમાર નાનકપ્રસાદ રાય (૬૦) ની ધરપકડ કરી લીધી છે.
પોલીસે આ ગેંગ પાસેથી ગેરકાયદે ડિવાઈસ ફિટ કરેલી બે ઓટો રિક્ષા, બે ટેક્સી અને એક પ્રાઇવેટ કેબ જપ્ત કરીને દહિસર પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
