તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
મોદી કેબિનેટમાં મહાફેરબદલના એંધાણ: ચોમાસુ સત્ર પહેલા દિલ્હીના રાજકારણમાં ગરમાવો; સ્મૃતિ ઈરાની સહિતના દિગ્ગજોની વાપસીની ચર્ચા, કેટલાક મંત્રીઓની થઈ શકે છે રજા!
વર્ષ ૨૦૨૯ની લોકસભા અને આગામી રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી ભાજપ ઘડી રહ્યું છે નવો વ્યૂહ; યુપી ચૂંટણીના મંથન માટે નીતિન નવીન ૪ જુલાઈથી બે દિવસ લખનૌના પ્રવાસે

નવી દિલ્હી, તા.૦૩: સંસદના આગામી ચોમાસુ સત્રની શરૂઆત પહેલા દેશના રાજકીય વર્તુળોમાં એક મોટા સમાચાર વહેતા થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્દ્રીય મંત્રીમંડળમાં ટૂંક સમયમાં જ મોટો ફેરબદલ (કેબિનેટ રિશફલ) થવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજકીય ગલિયારાઓમાં થઈ રહેલા દાવા મુજબ, આ વખતે મોદી સરકાર પોતાના મંત્રીમંડળમાં કેટલાક એવા વરિષ્ઠ અને દિગ્ગજ ભૂતપૂર્વ મંત્રીઓને ફરી સ્થાન આપી શકે છે જેઓ સંગઠન અને વહીવટ બંનેમાં કુશળ છે. આ સંભવિત નામોમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના નામની ચર્ચા સૌથી મોખરે ચાલી રહી છે. ભાજપની આ રણનીતિને છેક ૨૦૨૯ની લોકસભા ચૂંટણીના લાંબાગાળાના આયોજન સાથે પણ જોડીને જોવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફેરબદલ ચોમાસુ સત્રની ઠીક પહેલા થઈ શકે છે, જોકે પક્ષનું મોવડીમંડળ કોઈપણ નિર્ણય લેવામાં ઉતાવળ કરવાના મૂડમાં નથી. આ સત્રના અંત સુધી પણ રાહ જોવામાં આવી શકે છે. આ વખતે મંત્રીમંડળની પુનઃરચના પાછળ ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ જેવા મહત્વના રાજ્યોમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓનું ગણિત પણ છુપાયેલું છે. પ્રાદેશિક અને જ્ઞાતિગત સમીકરણોને સાધવા માટે કેટલાક વર્તમાન મંત્રીઓને સંગઠનની જવાબદારી સોંપી મંત્રીમંડળમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે, જોકે ભાજપ હાઈકમાન્ડે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર મહોર મારી નથી.
મિશન ૨૦૨૭: નીતિન નવીન બે દિવસ માટે યુપી ગજવશે
કેબિનેટ ફેરબદલની આ અટકળો વચ્ચે સંગઠનાત્મક સ્તરે પણ મોટી હલચલ શરૂ થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન આગામી ૪ અને ૫ જુલાઈના રોજ બે દિવસની મહત્વપૂર્ણ મુલાકાતે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ પહોંચશે. આ મુલાકાતનો મુખ્ય હેતુ વર્ષ ૨૦૨૭માં યોજાનારી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી જ પાયો મજબૂત કરવાનો છે. નીતિન નવીન લખનૌમાં રાજ્યના ટોચના પદાધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખો સાથે મેરેથોન બેઠકો કરશે અને બૂથ સ્તર સુધી સંગઠનને કેવી રીતે લોખંડી બનાવવું તેનું માર્ગદર્શન આપશે.
રાષ્ટ્રીય અધ્યક્ષના આ હાઈ-પ્રોફાઈલ પ્રવાસની કમાન્ડ ઉત્તર પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી તેમજ પ્રદેશ મહામંત્રી ધર્મપાલ સિંહે સંભાળી લીધી છે. તેઓ સતત ભાજપ મુખ્યાલય ખાતે તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, "રાષ્ટ્રીય અધ્યક્ષની આ મુલાકાત ઉત્તર પ્રદેશ ભાજપના કાર્યકરો અને સંગઠન માટે એક નવી ઉર્જા આપનારી સાબિત થશે, જે ૨૦૨૭ની જંગ જીતવા માટે નવી દિશા નક્કી કરશે."
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
