તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
ઉત્તરકાશીના દુર્ગમ હિમાલયમાં મોટું રેસ્ક્યૂ ઓપરેશન: કાલિંદી ટ્રેક પર ફસાયેલા ૨૯ ટ્રેકર્સને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરી સુરક્ષિત બચાવી લેવાયા!
ભારે હિમવર્ષા વચ્ચે SDRF અને સેનાનું દિલધડક સાહસ: ગૌમુખ-તપોવનથી ૧૨૧ લોકોને ઉગારાયા, પરંતુ બાગેશ્વર અને અન્ય રૂટ પર હજુ પણ ૧૪૦થી વધુ ટ્રેકર્સ ફસાયેલા હોવાથી રેસ્ક્યૂ કામગીરી તેજ.

ઉત્તરકાશી : ઉત્તરાખંડના ઊંચાઈવાળા હિમાલયી વિસ્તારોમાં અચાનક બદલાયેલા ખરાબ હવામાન અને ભારે હિમવર્ષા વચ્ચે ઉત્તરકાશી જિલ્લામાં સોમવારે બચાવ ટુકડીઓને એક મોટી સફળતા સાંપડી છે. કાલિંદી ટ્રેકના અતિ દુર્ગમ 'ઓડેન્સ કોલ' (Auden’s Col) વિસ્તારમાં મોત સામે ઝૂઝી રહેલા તમામ ૨૯ ટ્રેકર્સને સેના અને SDRF દ્વારા સાહસિક એરલિફ્ટ ઓપરેશન હાથ ધરીને સુરક્ષિત રીતે હરસિલ લાવવામાં આવ્યા છે. તમામ ૨૯ ટ્રેકર્સને હરસિલ સ્થિત આર્મી હોસ્પિટલમાં પ્રાથમિક તબીબી તપાસ અર્થે ખસેડાયા છે, જ્યાં તેમની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.
સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શાલિની નેગી અને SDRF કમાન્ડન્ટ અર્પણ યાદુવંશીએ જણાવ્યા અનુસાર, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF), ભારતીય સેના, સ્થાનિક પોલીસ અને ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટીના સંયુક્ત સંકલનને કારણે આ મુશ્કેલ મિશન સફળ રહ્યું છે. આ સિવાય એક અન્ય ઓપરેશનમાં ગંગોત્રી નેશનલ પાર્કના ગૌમુખ-તપોવન ટ્રેલ પર ભારે હિમવર્ષા અને હિમસ્ખલનના જોખમ વચ્ચે કેમ્પિંગ કરી રહેલા ૧૨૧ ટ્રેકર્સને વન વિભાગની ટીમે બહાદુરીપૂર્વક બચાવીને ગંગોત્રી સુધી પહોંચાડ્યા છે.
એક તરફ આ મોટા સફળ રેસ્ક્યૂથી રાહતના શ્વાસ લેવાયા છે, તો બીજી તરફ ઉત્તરકાશીના અન્ય ૧૦ ટ્રેકિંગ રૂટ પર હજુ પણ ૧૦૬ ટ્રેકર્સ અને પડોશી બાગેશ્વર જિલ્લાના પિંડારી ગ્લેશિયર વિસ્તારમાં ૪૩ ટ્રેકર્સ ફસાયેલા હોવાના અહેવાલ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ બાગેશ્વરમાં ફસાયેલા તમામ ટ્રેકર્સ સુરક્ષિત છે. હવામાન ખુલ્લું થતાં જ ચારધામ યાત્રા ફરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ હિમાલયના બદલાતા મિજાજ વચ્ચે ફસાયેલા તમામ લોકોને સલામત બહાર કાઢવા માટે બચાવ ટુકડીઓ સતત કાર્યરત છે.
(6:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
