તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
નેપાળમાં પૂરની તબાહી વચ્ચે મોટું રેસ્ક્યૂ ઓપરેશન: ૫૦૦ થી વધુ નિષ્ણાતોનું એક WhatsApp ગ્રુપ બચાવ ટીમો માટે બન્યું લાઈફલાઈન, ૯ દિવસ બાદ ૨ કામદારોનો આબાદ બચાવ!
દટાયેલી ટનલોના નકશા, પ્રોજેક્ટ ડ્રોઈંગ અને લાસ્ટ નોન લોકેશન મોકલીને બચાવકર્તાઓને માર્ગદર્શન આપી રહ્યા છે એન્જિનિયરો: ત્રિશુલી ખીણમાં ૧૨૦૦થી વધુના મોત અને ૪૦૦૦ ગુમ

કાઠમંડુ : નેપાળની ત્રિશુલી ખીણમાં આવેલ વિનાશક પૂર અને ભૂસ્ખલન બાદ સર્જાયેલી તબાહી વચ્ચે બચાવ કામગીરીમાં ટેકનોલોજી અને સોશિયલ મીડિયા એક અભૂતપૂર્વ ભૂમિકા ભજવી રહ્યા છે. ટનબંધ કાદવ, ખડકો અને કાટમાળ નીચે દટાયેલી હાઇડ્રોપાવર ટનલોમાંથી લોકોને બહાર કાઢવા માટે ૫૦૦ થી વધુ એન્જિનિયરો, ભૂતપૂર્વ કર્મચારીઓ અને સરકારી અધિકારીઓનું એક ખાસ WhatsApp ગ્રુપ બચાવ ટીમો માટે આશાનું કિરણ બન્યું છે.
WhatsApp ગ્રુપ દ્વારા રીઅલ-ટાઇમ સહાય:
૨૬ ઓગસ્ટના રોજ નેપાળ-ચીન સરહદ નજીક ગ્લેશિયર અને પર્વત તૂટી પડવાથી ખીણમાં પૂર અને કાદવનો મોટો પ્રવાહ ફરી વળ્યો હતો. આ ઘટનામાં ૧૨૮૭ થી વધુ લોકોના મોત થયા છે જ્યારે ૪૦૦૦ થી વધુ લોકો ગુમ છે.
જ્યારે બચાવકર્તાઓ ચીન સરહદ નજીક દટાયેલા ચિલીમે અને રસુવાગાધી હાઇડ્રોપાવર પ્લાન્ટ્સ ખાતે પહોંચ્યા, ત્યારે ભૂપ્રદેશ સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. આવી પરિસ્થિતિમાં આ વોટ્સએપ ગ્રુપ દ્વારા ક્ષણભરમાં જ ટનલોના ઓરિજિનલ લેઆઉટ ડ્રોઇંગ, પાવરહાઉસના નકશા અને એક્સેસ ટનલની વિગતો પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત ભૂતપૂર્વ કામદારો પણ પોતાના અનુભવના આધારે દિશા-નિર્દેશ આપી રહ્યા છે.
મોબાઈલ લોકેશનથી ગુમ થયેલા લોકોની શોધોખોળ:
બચાવ ટીમો ગુમ થયેલા કામદારોના નામ અને મોબાઈલ નંબર ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ સાથે શેર કરી રહી છે, જેથી આપત્તિ આવી ત્યારે તેમના લાસ્ટ નોન ફોન લોકેશન (છેલ્લા જાણીતા સ્થાનો) મેળવી શકાય. રસુવાગાધી પ્લાન્ટની ટનલમાં હજુ પણ ૪૬ જેટલા કામદારો સેફટી ચેમ્બરમાં ફસાયા હોવાની આશંકા છે, જ્યાં સુધી પહોંચવા ભારે મથામણ ચાલી રહી છે.
૯ દિવસ બાદ ૨ કામદારોનો ચમત્કારિક બચાવ:
આ ભગીરથ પ્રયાસો વચ્ચે એક આશાસ્પદ સમાચાર પણ આવ્યા છે. ઉપલા ત્રિશુલી ૩A હાઇડ્રોપાવર પ્રોજેક્ટની દટાયેલી ટનલમાં સતત ઓક્સિજન પમ્પ કર્યા બાદ, ઘટનાના ૯ દિવસ પછી શુક્રવારે બે કામદારો - ૩૦ વર્ષીય સંજય સાહ અને ૪૫ વર્ષીય કબીર મહાજનને જીવતા બહાર કાઢવામાં આવ્યા છે.
સંજય સાહે જણાવ્યું કે, "જ્યારે આટલો મોટો અકસ્માત થયો ત્યારે અન્ય લોકોનો જીવ બચાવવા હું કંટ્રોલ રૂમમાં જ રોકાઈ ગયો હતો." નેપાળના ઉર્જા મંત્રી બિરાજ ભક્ત શ્રેષ્ઠાએ જણાવ્યું કે, "જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી આશા છે, આપણી બચાવ કામગીરી અને પ્રાર્થનાઓ સતત ચાલુ રહેશે."
(8:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
