<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

પંજાબ કોંગ્રેસમાં મોટો રાજકીય ભૂકંપ: અમરિંદર સિંહ રાજા વારિંગની અધ્યક્ષ પદેથી હાકલપટ્ટી, સચિન પાયલટના અહેવાલ બાદ હાઈકમાન્ડનો આકરો નિર્ણય

૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં પક્ષમાં ચાલતા વિખવાદ અને જૂથબંધીનો અંત લાવવા પ્રદેશ પ્રમુખ બદલવાની તૈયારી, વિજય ઈંદર સિંગલા રેસમાં સૌથી આગળ

ચંદીગઢ, તા.૦૧:  પંજાબ વિધાનસભા ચૂંટણી ૨૦૨૭ પહેલા પંજાબ કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલા આંતરિક જૂથવાદ અને વિખવાદ વચ્ચે હાઈકમાન્ડે મોટો સંગઠનાત્મક નિર્ણય લીધો છે. પંજાબના નવસર્જિત પ્રભારી અને પક્ષના મહાસચિવ સચિન પાયલટ દ્વારા સોંપવામાં આવેલા ફીડબેક અહેવાલ બાદ, કોંગ્રેસ હાઈકમાન્ડે પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટી (PPCC) ના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વારિંગને બદલવાનો આખરી નિર્ણય લીધો છે. ૫ સપ્ટેમ્બરે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના સ્થાને પ્રભારી બનેલા પાયલટે રાજ્યના તમામ વરિષ્ઠ નેતાઓ અને વિવિધ જૂથો સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજીને પોતાનો વિગતવાર રિપોર્ટ દિલ્હી સ્થિત હાઈકમાન્ડને સોંપ્યો હતો. 

પંજાબ કોંગ્રેસ એકમમાં પ્રદેશ પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગ અને પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીના જૂથ વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી આંતરિક ખેંચતાણ ચરમસીમાએ પહોંચી હતી. ૧ જુલાઈએ જ્યારે હાઈકમાન્ડે વારિંગને પ્રમુખ તરીકે યથાવત રાખ્યા અને ચન્નીને પ્રચાર સમિતિના પ્રમુખ બનાવ્યા, ત્યારથી વિવાદ વધુ ઘેરો બન્યો હતો. ચન્ની સમર્થક નેતાઓએ વારિંગના નેતૃત્વ હેઠળના પક્ષના કાર્યક્રમોનો બહિષ્કાર પણ શરૂ કરી દીધો હતો, જેના કારણે આગામી વિધાનસભા ચૂંટણીમાં પક્ષના પ્રચારને મોટો ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી હતી.

સચિન પાયલટે પંજાબના પ્રભારી તરીકેનો પદભાર સંભાળતા જ રાજ્યના સંગઠનમાં એકતા લાવવાના પ્રયાસો તેજ કર્યા હતા. ૧૫ સપ્ટેમ્બરે ચંદીગઢમાં 'આપ' સરકાર વિરૂદ્ધ યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં પાયલટે તમામ ઝઘડતા જૂથોને એક મંચ પર લાવીને શક્તિપ્રદર્શન કરાવ્યું હતું. જોકે, કાયમી ઉકેલ માટે પાયલટે હાઈકમાન્ડને નેતૃત્વમાં પરિવર્તન કરવાની સ્પષ્ટ ભલામણ કરી હતી. પક્ષ હાઈકમાન્ડે રાજા વારિંગને આ નિર્ણયથી વાકેફ કરી દેતાં તેમણે રાજીનામાની તૈયારી દર્શાવી દીધી છે અને ટૂંક સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

નવા પ્રદેશ અધ્યક્ષની રેસમાં પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ વિજય ઈંદર સિંગલાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે, જેઓ પંજાબમાં એક અગ્રણી હિન્દુ ચહેરો ધરાવે છે. સિંગલા ઉપરાંત પૂર્વ ઓલિમ્પિયન પરગત સિંહ, પૂર્વ ધારાસભ્ય રાણા કેપી સિંહ, સુખવિંદર સિંહ સરકારિયા, ચરણજીત સિંહ ચન્ની અને ગુરદાસપુરના સાંસદ સુખજિંદર સિંહ રંધાવાના નામો પર પણ હાઈકમાન્ડ વિચારણા કરી રહ્યું છે. કોંગ્રેસ એવા નેતાને પ્રદેશની કમાન સોંપવા માંગે છે જે તમામ વર્ગો અને જૂથોને સાથે રાખીને ૨૦૨૭ માં પક્ષને ફરીથી સત્તામાં લાવી શકે.

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને જલંધરના સાંસદ ચરણજીત સિંહ ચન્નીએ દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતી વખતે આ ફેરફાર અંગે પ્રતિભાવ આપ્યો હતો. ચન્નીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, "પ્રદેશ અધ્યક્ષ બદલવાનો કે નિમણૂક કરવાનો આખરી નિર્ણય લેવાનો અધિકાર ફક્ત પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીનો છે." આ સાથે જ ચન્નીએ ઉમેર્યું હતું કે પાયલટ જેવા મજબૂત નેતાની પ્રભારી તરીકેની નિમણૂકે પંજાબના પક્ષના કાર્યકરોમાં એક નવી આશા અને ઉત્સાહનો સંચાર કર્યો છે.

અમરિંદર સિંહ રાજા વારિંગે ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષના પરાજય બાદ નવજોત સિંહ સિદ્ધુના સ્થાને પંજાબ કોંગ્રેસના પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. તેમના નેતૃત્વમાં પક્ષે ૨૦૨૪ ની લોકસભા ચૂંટણીમાં પંજાબની ૧૩ માંથી ૭ બેઠકો પર વિજય મેળવ્યો હતો. પરંતુ રાજ્ય એકમમાં ચાલી રહેલા વર્ચસ્વના જંગ અને ચૂંટણી પહેલા સંગઠનને મજબૂત બનાવવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે આ કડક નિર્ણય લીધો છે. હવે નવા પ્રદેશ અધ્યક્ષ સામે તમામ જૂથોને એકસૂત્રે બાંધીને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો મોટો પ પડકાર રહેશે.

(4:40 PM IST)