News of Friday, 31st July 2026
યુરોપમાં મોટો રાજકીય ડખો: ઇટાલીએ સ્પેનને 'શેંગેન ઝોન'માંથી સસ્પેન્ડ કરવાની કરી માંગ, અનિયંત્રિત સ્થળાંતરને ગણાવ્યું રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો!
મોરોક્કોથી સેઉટાના સ્પેનિશ એન્ક્લેવમાં ગેરકાયદેસર પ્રવેશ અને સમુદ્ર પાર કરતી વખતે થયેલા કરૂણ મોત બાદ ઇટાલીએ સ્પેન સામે આક્રમક વલણ અપનાવ્યું છે

.
નવી દિલ્હી / રોમ | તા.31: યુરોપિયન યુનિયન (EU) ના રાજકારણમાં હાલમાં મોટો હલચલ મચી ગઈ છે, કારણ કે ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ યુરોપિયન યુનિયનના સરહદ-મુક્ત શેંગેન ટ્રાવેલ ઝોનમાંથી સ્પેનને સસ્પેન્ડ કરવાની ખુલ્લી હાકલ કરી છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે મોરોક્કોથી સેઉટાના સ્પેનિશ એન્ક્લેવમાં સ્થળાંતર કરનારા લોકોએ પ્રવેશ કર્યો હતો. આ ખતરનાક સમુદ્ર ક્રોસિંગનો પ્રયાસ કરતી વખતે બાળકો સહિત ઓછામાં ઓછા નવ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા, જેના પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી ગઈ છે.
ઇટાલીના વિદેશ પ્રધાન એન્ટોનિયો તાજાનીએ પણ સમાન અપીલ કરતા દલીલ કરી હતી કે અનિયમિત સ્થળાંતર એ સમગ્ર રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ જણાવ્યું હતું કે, "અમે સક્ષમ સંસ્થાઓને એકસાથે લાવવાની પ્રક્રિયામાં છીએ અને એકવાર આ બેઠકો પૂર્ણ થઈ જાય, ત્યારબાદ અમે સ્પેન સાથેના શેંગેન કરારને સ્થગિત કરવા જેવા અસાધારણ પગલાં સહિતના કાર્યો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ." તેમણે સેઉટામાંથી સામે આવેલી તસવીરોને અત્યંત આઘાતજનક ગણાવી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે ઇટાલી આ મામલે ચૂપચાપ બેસી રહેશે નહીં.
વિવાદનું મુખ્ય કારણ: સ્પેનિશ સરકારે 500,000 થી વધુ અનિયમિત ઇમિગ્રન્ટ્સને સ્પેનિશ નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે, જેના પર ઇટાલીએ આકરા પ્રહારો કરતા કહ્યું છે કે આ પ્રકારના પગલાં સીધી રીતે માનવ તસ્કરીને પ્રોત્સાહન આપે છે. ઇટાલીના નાયબ વડા પ્રધાન માટ્ટેઓ સાલ્વિનીએ તો એક પગલું આગળ વધીને સમગ્ર શેંગેન સિસ્ટમને જ અસ્થાયી રૂપે સ્થગિત કરવાની માંગ કરી છે.
બીજી બાજુ, સ્પેને ઇટાલીના આ તમામ આરોપો અને માંગણીઓને સદંતર ફગાવી દીધી છે. સ્પેનિશ વિદેશ પ્રધાન જોસ લુઇસ આલ્બારેસે ઇટાલીના નેતાઓ પર રાજકીય હેતુઓ માટે સ્થળાંતરનો દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મૈત્રીપૂર્ણ દેશ તરફથી આવી ટિપ્પણીઓ અયોગ્ય છે, જ્યાં યુરોપિયન એકતાની અપેક્ષા રાખવામાં આવે છે નહીં કે પક્ષપાતી રાજકારણની. ઉલ્લેખનીય છે કે શેંગેન વિસ્તાર એ યુરોપનું પાસપોર્ટ-મુક્ત મુસાફરી ક્ષેત્ર છે, જ્યાં 29 દેશોના નાગરિકો સરહદી તપાસ વગર મુક્તપણે અવરજવર કરી શકે છે, ત્યારે આ નવા વિવાદે યુરોપિયન દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વધારી દીધો છે.
(5:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
