તા. ૪ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૫ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
મુંબઈમાં પોલીસની મોટી કાર્યવાહી: બાન્દ્રા અને નાલાસોપારાથી ૧૩ બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા, બોગસ આધાર અને પૅન કાર્ડ્સનો મોટો જથ્થો જપ્ત!
દેશનિકાલ કરાયેલા ૪ આરોપીઓ ફરી ગેરકાયદે ભારતમાં ઘૂસ્યા: એજન્ટના મોબાઈલમાંથી ૪૦ બોગસ આધાર-પૅન કાર્ડ અને ડિજિટલ દસ્તાવેજો મળી આવતા ચકચાર

મુંબઈ : મુંબઈ પોલીસે બાન્દ્રા અને નાલાસોપારા વિસ્તારમાં દરોડા પાડીને ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલી ૭ મહિલાઓ સહિત કુલ ૧૩ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે. ચોંકાવનારી બાબત એ છે કે પકડાયેલા આરોપીઓમાંથી ૪ જણાને અગાઉ પણ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને બાંગ્લાદેશ મોકલી દેવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ફરીથી ગેરકાયદે માર્ગે ભારતમાં ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ ઘૂસણખોરી કરાવતા મુખ્ય એજન્ટ પાસેથી બોગસ આધાર કાર્ડ અને પૅન કાર્ડ સહિત અનેક બનાવટી દસ્તાવેજો જપ્ત કર્યા છે.
બાન્દ્રાથી મુખ્ય એજન્ટ સહિત ૬ ઝડપાયા
ખાર પોલીસની ટીમે ૨૯ સપ્ટેમ્બરના રોજ પેટ્રોલિંગ દરમિયાન બાન્દ્રા ટ્રાફિક ચોકી નજીક એસ. વી. રોડ પર શંકાસ્પદ હાલતમાં ઊભેલી ૩ મહિલાઓ અને ૩ પુરુષોને તાબામાં લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં તેમની ઓળખ ઈકબાલ અકબર અલી શેખ (ઉં.વ. ૩૫, ઉર્ફે ગૌતમ દત્તા), રાણા મોલ્લા (૨૦), સમીમ સરદાર (૨૫), મોસમદ ખાતૂન (૨૩), માફુઝા કાઝી (૨૫) અને હલિમા ખાન (૨૬) તરીકે થઈ હતી. મુખ્ય સૂત્રધાર ઈકબાલ છેલ્લા ૫ વર્ષમાં અનેકવાર ગેરકાયદે રીતે ભારત-બાંગ્લાદેશ વચ્ચે અવરજવર કરી ચૂક્યો છે અને તે ઘૂસણખોરોને નોકરી તથા રહેવાની સુવિધા પૂરી પાડતો હતો.
મોબાઈલ અને ઘરમાંથી મળી આવ્યા બોગસ દસ્તાવેજો
મુખ્ય આરોપી ઈકબાલના મોબાઈલ ફોનની તપાસ કરતા તેમાંથી અલગ-અલગ નામો ધરાવતા ૪૦ જેટલા બનાવટી આધાર કાર્ડ, પૅન કાર્ડ, મહિલાઓની તસવીરો, ક્યૂઆર કોડ અને ટ્રેનની ટિકિટો જેવી ડિજિટલ માહિતી મળી આવી હતી. ઉપરાંત તેના ઘરમાંથી પણ ૨૦ બોગસ આધાર કાર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા. ડિપોર્ટ કરાયા બાદ આ આરોપીઓ ફરી ભારતમાં કેવી રીતે દાખલ થયા તે અંગે ખાર પોલીસ ઊંડી તપાસ ચલાવી રહી છે.
નાલાસોપારામાંથી વધુ ૭ બાંગ્લાદેશીઓની અટકાયત
બીજી તરફ, જૂહુ પોલીસે ચોક્કસ બાતમીના આધારે નાલાસોપારા (પૂર્વ) સ્થિત મોરેગાંવ તળાવ નજીકના એક ઘરમાં ગુરુવારે દરોડો પાડ્યો હતો. ત્યાંથી ૪ મહિલાઓ અને ૨ બાળકો સહિત કુલ ૭ બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા હતા. તપાસમાં તેઓ બાંગ્લાદેશના નોરાઈલ જિલ્લાના પુથીમારી ગામના વતની હોવાનું ખુલ્લું પડ્યું હતું. તેમની પાસે ભારતમાં રહેવા માટેના કોઈ જ અધિકૃત પુરાવા ન મળતા જૂહુ પોલીસે ફોરેનર્સ એક્ટ હેઠળ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
