તા. ૧૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૦ શુક્રવાર
News of Sunday, 11th October 2026
જીબુતીમાં મોટો દરિયાઈ અકસ્માત: હોડી પલટી જતાં ૧૫ બાળકો સહિત ૧૦૯ લોકોના કરુણ મોત, ૧૧૬થી વધુ લાપતા
એડેનના અખાત અને બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ નજીક ક્ષમતા કરતા વધુ ભરેલી બોટ ડૂબી; ઇથોપિયાના ૩૦૦થી વધુ શ્રમિકો યમન તરફ જઈ રહ્યા હતા

જીબુતી (પૂર્વ આફ્રિકા) : પૂર્વ આફ્રિકન દેશ જીબુતીના દરિયાકાંઠે શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓને લઈ જતી એક ઓવરલોડેડ (ક્ષમતા કરતા વધુ ભરેલી) હોડી સમુદ્રમાં પલટી જવાથી સર્જાયેલી ભીષણ દુર્ઘટનામાં ૧૫ બાળકો સહિત ૧૦૯ લોકોના દર્દનાક મોત થયા છે. સંયુક્ત રાષ્ટ્રની સ્થળાંતર એજન્સી (IOM) અને સ્થાનિક દરિયાઈ સુરક્ષા અધિકારીઓ પાસેથી પ્રાપ્ત સત્તાવાર વિગતો અનુસાર, આ હોડીમાં ૩૦૦થી વધુ લોકો સવાર હતા, જેમાંથી હાલ ૧૧૬થી વધુ લોકો ગુમ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જીબુતીના પૂર્વ કિનારે ગુહેરે નજીક એડેનના અખાત અને બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ વચ્ચેના અત્યંત જોખમી જળમાર્ગ પર બનેલી આ ઘટનાથી સમગ્ર આંતરરાષ્ટ્રીય સ્તરે શોકનું મોજું ફરી વળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ જીબુતીના કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક બચાવ ટીમોએ તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં અત્યાર સુધીમાં ૮૦થી વધુ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. બચાવ કરાયેલા મોટાભાગના નાગરિકો ઇથોપિયન હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જીબુતીમાં IOM ના મિશન ચીફ એલેક્ઝાન્ડ્રે કોઈસાકે આ ઘટના પર ગાઢ સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગરીબી અને બેરોજગારીથી કંટાળીને બહેતર આજીવિકાની શોધમાં નિકળેલા લાચાર લોકો માટે આ જળમાર્ગ કાળમુખો સાબિત થઈ રહ્યો છે. સ્થાનિક પ્રશાસન દ્વારા બચેલા લોકોને તબીબી સહાય અને કટોકટીની રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી રહી છે.
જીબુતી અને યમન વચ્ચેનો આ સાંકડો દરિયાઈ માર્ગ આફ્રિકાના હોર્ન પ્રદેશથી ગલ્ફ દેશોમાં પ્રવેશવા માટેનો મુખ્ય રસ્તો છે, પરંતુ માનવ તસ્કરો દ્વારા સલામતીના નિયમોની ધજાગી ઉડાડીને નાની હોડીઓમાં ક્ષમતા કરતા અનેકગણા વધુ લોકોને બેસાડવામાં આવતા હોવાના કારણે અગાઉ પણ અનેક ગંભીર દુર્ઘટનાઓ સર્જાઈ ચૂકી છે. IOM ના આંકડા મુજબ ગત વર્ષે પણ આ જ જોખમી માર્ગ પર ૯૦૦થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અથવા તેઓ કાયમ માટે ગુમ થઈ ગયા હતા. હાલમાં દરિયામાં લાપતા બનેલા અન્ય લોકોની શોધખોળ માટે કોસ્ટ ગાર્ડ દ્વારા સર્ચ ઓપરેશન સઘનપણે ચાલુ રાખવામાં આવ્યું છે.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
