News of Friday, 3rd July 2026
અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રને મોટો કાનૂની ફટકો: સુનાવણી વિના ઇમિગ્રન્ટ્સને ૯૦ દિવસથી વધુ સમય જેલમાં ન રાખી શકાય, યુએસ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
અટકાયતમાં લેવાયેલા હજારો વિદેશી નાગરિકોને મળશે બોન્ડ પર મુક્ત થવાની તક; કોર્ટે કહ્યું – "અનિશ્ચિત સમય માટે વ્યક્તિગત સ્વતંત્રતા છીનવી શકાય નહીં"

ન્યૂ ઓર્લિયન્સ, : અમેરિકાના ઇમિગ્રેશન કાયદા અને માનવાધિકારના સંદર્ભમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી કાનૂની ચુકાદો સામે આવ્યો છે. યુએસ અપીલ કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રની કડક ઇમિગ્રેશન નીતિ હેઠળ યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) કોઈપણ વિદેશી નાગરિક અથવા ઇમિગ્રન્ટને 'બોન્ડ સુનાવણી' (Bond Hearing) ની તક આપ્યા વિના ૯૦ દિવસથી વધુ સમય માટે અટકાયતમાં રાખી શકશે નહીં. ન્યૂ ઓર્લિયન્સ સ્થિત ૫મી યુએસ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સની પેનલ દ્વારા ૨-૧ ના બહુમતીથી લેવાયેલા આ નિર્ણયથી ટેક્સાસ અને લ્યુઇસિયાના સહિતના રાજ્યોમાં જેલમાં બંધ હજારો ઇમિગ્રન્ટ્સને સીધી રાહત મળી શકે છે.
કોર્ટની બહુમતી વતી ચુકાદો લખતાં યુએસ સર્કિટ જજ લેસ્લી સાઉથવિકે અમેરિકાના બંધારણના પાંચમા સુધારા (Fifth Amendment) અને 'ડ્યુ પ્રોસેસ' (યોગ્ય પ્રક્રિયા) ના અધિકાર પર વિશેષ ભાર મૂક્યો હતો. રિપબ્લિકન પ્રમુખ જ્યોર્જ ડબલ્યુ. બુશ દ્વારા નિયુક્ત કરાયેલા જજ સાઉથવિકે તેમના ચુકાદામાં ઐતિહાસિક ટિપ્પણી કરતા લખ્યું કે, "આ આપણા બંધારણના સ્થાપક ચાર્ટરનો ઐતિહાસિક મહિમા છે કે તે આપણી ભૌગોલિક સીમાઓની અંદર રહેલા દરેક નાગરિક કે બિન-નાગરિકને મૂળભૂત અધિકારો પૂરા પાડે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિની વ્યક્તિગત સ્વતંત્રતા છીનવી લેવામાં આવે, ત્યારે તેને કોર્ટ સમક્ષ સુનાવણી મેળવવાનો પવિત્ર અધિકાર છે અને તેમાં કોઈ અપવાદ હોઈ શકે નહીં."
કાયદાના નવા અર્થઘટન સામે ઉઠ્યા સવાલ
આ વિવાદનું મૂળ ટ્રમ્પ વહીવટીતંત્રના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ દ્વારા ગયા વર્ષે લેવાયેલા એક નવતર વલણમાં રહેલું છે. ફેડરલ ઇમિગ્રેશન કાયદાના લાંબા સમયથી ચાલતા અર્થઘટનને બદલીને સરકારે એવું વલણ અપનાવ્યું હતું કે જે બિન-નાગરિકો પહેલેથી જ અમેરિકાની અંદર વસવાટ કરી રહ્યા છે, તેમને પણ સરહદ પર આવતા નવા લોકોની જેમ જ "પ્રવેશ માટેના અરજદારો" (Applicants for Admission) ગણી શકાય અને તેમના કેસ કોર્ટમાં ચાલે ત્યાં સુધી તેમને ફરજિયાત અટકાયતમાં રાખી શકાય. આ કાયદાના આધારે દેશભરના ઇમિગ્રેશન ન્યાયાધીશોએ બોન્ડ સુનાવણી આપ્યા વિના જ લોકોને જેલમાં રાખવાના આદેશો શરૂ કર્યા હતા, જેને હવે અપીલ કોર્ટે ગેરબંધારણીય ઠેરવ્યો છે.
ઇમિગ્રેશન સંગઠનોમાં ખુશીનો માહોલ
જો કે, ટ્રમ્પ દ્વારા નિયુક્ત કરાયેલા યુએસ સર્કિટ જજ કોરી વિલ્સને આ ચુકાદા સામે અસંમતિ વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે બહુમતી કોર્ટે ઇમિગ્રેશન બાબતો પર કોંગ્રેસ (સંસદ) ને મળેલી સંપૂર્ણ બંધારણીય સત્તાને હાંસિયામાં ધકેલી દીધી છે. બીજી તરફ, ઇમિગ્રન્ટ્સના હકો માટે લડતી સંસ્થા 'અમેરિકન ઇમિગ્રેશન કાઉન્સિલ' ના વકીલ રેબેકા કેસલરે આ નિર્ણયને આવકારતા જણાવ્યું છે કે, "અમે ખુશ છીએ કે અપીલ કોર્ટે એ મુખ્ય બંધારણીય સિદ્ધાંતને મંજૂરી આપી છે કે સરકાર પોતાની સત્તાના જોરે કોઈપણ વ્યક્તિને સુનાવણી વિના અનિશ્ચિત સમય માટે જેલના સળિયા પાછળ બંધ રાખી શકે નહીં." આ કાનૂની ખેંચતાણના કારણે જ ટ્રમ્પ વહીવટીતંત્રે ગયા અઠવાડિયે જ આ સમગ્ર મામલાને આખરી ઉકેલ માટે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં મોકલી આપ્યો છે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
