<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th July 2026

અમેરિકી રાજકારણમાં ઇમિગ્રેશન નીતિઓને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રને મોટો કાનૂની ફટકો: સંઘીય અદાલતે એચ-૧બી (H-1B) વિઝા પર લાદવામાં આવેલી ૧ લાખ ડૉલરની તોતિંગ ફીને ગેરકાયદેસર ઠેરવી રદ કરી

વિઝા અરજીઓના ખર્ચમાં અસાધારણ વધારા સામે ૨૦ રાજ્યોના એટર્ની જનરલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર બોસ્ટન ફેડરલ કોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો: રાષ્ટ્રપતિને મનસ્વી રીતે કર કે નાણાકીય શુલ્ક લાદવાની સત્તા નથી તેમ સ્પષ્ટ કરી સિલિકોન વેલી અને ટેકનોલોજી સેક્ટરના લાખો કુશળ પ્રોફેશનલ્સને રાહત અપાઈ

અમેરિકાના: ઇમિગ્રેશન અને વિઝા નિયમો સંબંધિત એક અત્યંત મહત્વપૂર્ણ વિકાસક્રમમાં, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રને યુએસ કોર્ટ દ્વારા મોટો આંચકો આપવામાં આવ્યો છે. દેશની અગ્રણી ટેક કંપનીઓ અને વિદેશી કુશળ કામદારો માટે અત્યંત સંવેદનશીલ ગણાતા એચ-૧બી (H-1B) વિઝા હેઠળ નવી અરજીઓ પર ૧,૦૦,૦૦૦ ડૉલર (આશરે ૮૩ લાખ રૂપિયા) જેટલી માતબર વાર્ષિક ફી વસૂલવાના વિવાદાસ્પદ આદેશને યુએસ ફેડરલ કોર્ટે સદંતર ફગાવી દીધો છે. અદાલતે આ આદેશને બંધારણ વિરુદ્ધનો અને ગેરકાયદેસર કર ગણાવ્યો છે, જેના કારણે અમેરિકામાં નોકરી મેળવવા ઈચ્છુક વિદેશી નાગરિકો અને ખાસ કરીને ભારતીય પ્રોફેશનલ્સને મોટી રાહત મળી છે. 
બોસ્ટન ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ લીઓ સોરોકિને આ મામલે ૪૨ પાનાનો વિસ્તૃત અને કડક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ પ્રકારનો નવો કર કે ભારેખમ નાણાકીય બોਝ લાદવાની વિશિષ્ટ સત્તા માત્ર દેશની સંસદ (કોંગ્રેસ) પાસે છે. રાષ્ટ્રપતિ કે વહીવટીતંત્ર સીધી રીતે આવી સત્તાનો ઉપયોગ કરીને ફી કે ટેક્સ લાદી શકે નહીં. અગાઉ, દેશના ૨૦ ડેમોક્રેટિક રાજ્યોના એટર્ની જનરલ દ્વારા ટ્રમ્પ વહીવટીતંત્રના આ નિયમ સામે કોર્ટમાં કાનૂની લડત શરૂ કરવામાં આવી હતી, જેમાં દલીલ કરવામાં આવી હતી કે આ પ્રકારના અસહ્ય ફી વધારાથી વિઝા પ્રક્રિયા લગભગ અશક્ય બની જશે અને સમગ્ર ઇમિગ્રેશન માળખું ગંભીર રીતે જોખમાશે. 
અગાઉના નિયમો અનુસાર એચ-૧બી વિઝા મેળવવા માટે નોકરીદાતા કંપનીઓએ સામાન્ય રીતે ૨,૦૦૦ થી ૫,૦૦૦ ડૉલર સુધીની જ ફી ચૂકવવી પડતી હતી, પરંતુ ટ્રમ્પ પ્રશાસન દ્વારા તેમાં ૨૦ થી ૫૦ ગણો તોતિંગ વધારો કરીને ૧ લાખ ડૉલર કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ ભારેખમ ફીના કારણે વિઝા અરજીઓમાં મોટો ઘટાડો નોંધાયયો હતો અને વહીવટીતંત્રના પોતાના દસ્તાવેજો મુજબ આ ફી માટે માત્ર ગણતરીની જ ચૂકવણીઓ પ્રાપ્ત થઈ હતી. કોર્ટના આ સીમાચિહ્નરૂપ ચુકાદાથી અમેરિકાની અગ્રણી ટેકનોલોજી કંપનીઓ અને સિલિકોન વેલીના ઉદ્યોગોએ હાશકારો અનુભવ્યો છે, કારણ કે આ ક્ષેત્રો મોટા પ્રમાણમાં ભારત અને અન્ય દેશોના પ્રતિભાશાળી યુવાનોની સેવાઓ પર નિર્ભર છે.

(12:23 PM IST)