તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં મોટો આંતરિક ભૂકંપ: જનરલ સેક્રેટરી ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાએ આપેલા રાજીનામાનો સત્તાવાર સ્વીકાર કરાયો
અયોધ્યામાં આગામી બેઠકમાં બંને ટોચના હોદ્દેદારોના રાજીનામા અંગે આખરી નિર્ણય લેવાશે: ભક્તો દ્વારા દાનમાં અપાયેલી ચાંદીની ઇંટો અને કરોડોના દાગીના સંપૂર્ણ સલામત હોવાની કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજની જાહેરાત

અયોધ્યા : અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું સંચાલન કરતા શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની અંદર એક બહુ મોટો વહીવટી વળાંક સામે આવ્યો છે. ટ્રસ્ટના કોષાધ્યક્ષ પૂજ્ય સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજ દ્વારા જારી કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદન અનુસાર, ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય અને અન્ય સક્રિય ટ્રસ્ટી અનિલ મિશ્રાએ પોતાના હોદ્દા પરથી રાજીનામા આપી દીધા છે, જેની ટ્રસ્ટ દ્વારા હવે સત્તાવાર રીતે નોંધ લઈ લેવામાં આવી છે. ટ્રસ્ટના આ બે અત્યંત મહત્વના સ્તંભ ગણાતા પદાધિકારીઓના અચાનક રાજીનામાથી ધાર્મિક અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામાના આ વિષય પર ટ્રસ્ટની આગામી સમયમાં યોજાનારી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ખૂબ જ વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ આગામી મહત્વની બેઠકમાં જ બંનેના રાજીનામાના કારણોની સમીક્ષા કરીને આગળનો આખરી નિર્ણય લેવામાં આવશે ત્યાં સુધી વહીવટી પ્રક્રિયા પત્રમાં દર્શાવ્યા મુજબ આગળ વધશે.
બીજી તરફ, સોશિયલ મીડિયા અને વિવિધ માધ્યમોમાં ટ્રસ્ટની સંપત્તિને લઈને ચાલતી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા કોષાધ્યક્ષે દેશ-વિદેશના કરોડો રામભક્તોને મોટી ખાતરી આપી છે. તેમણે પત્રમાં સ્પષ્ટપણે આશ્વાસન આપ્યું છે કે રામ મંદિરના નિર્માણ માટે અને ભગવાન રામલલાના ચરણોમાં ભક્તો દ્વારા અત્યાર સુધી દાનમાં આપવામાં આવેલી સોના-ચાંદીની તમામ વસ્તુઓ, ચાંદીની ઇંટો તેમજ કિંમતી ઘરેણાંનો એક-એક હિંસાબ ટ્રસ્ટ પાસે સંપૂર્ણપણે ઉપલબ્ધ છે. આ તમામ દાનમાં આવેલી કિંમતી સામગ્રી ટ્રસ્ટના સત્તાવાર ખાતા અને લોકરમાં સુરક્ષિત રીતે નોંધાયેલી છે, તેથી ભક્તોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની કે અફવાઓ પર ધ્યાન આપવાની બિલકુલ જરૂર નથી.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
