News of Saturday, 30th May 2026
આર્થિક સંકટમાં ફસાયેલી સ્પાઇસ જેટ એરલાઇન્સની મુશ્કેલીઓમાં મોટો વધારો: ટેક્સ ચોરી મામલે જીએસટી વિભાગે ૧૨૪ કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારી
જીએસટી જમા ન કરાવવા બદલ એવિએશન કંપનીનું રજીસ્ટ્રેશન રદ્દ કરવાની પ્રક્રિયા શરૂ: સ્પાઇસ જેટના ભવિષ્ય અને સંચાલન સામે તોળાતું ગંભીર જોખમ

નવી દિલ્હી: નાણાકીય ભીડનો સામનો કરી રહેલી સ્પાઇસ જેટ એરલાઇન્સ પર જીએસટી વિભાગે સકંજો કસ્યો છે. ટેક્સની ચૂકવણીમાં ગંભીર અનિયમિતતા આચરવા બદલ કંપનીને ૧૨૪ કરોડ રૂપિયાની ડિમાન્ડ નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત સમયસર ટેક્સ જમા ન કરાવતા જીએસટી રજીસ્ટ્રેશન રદ્દ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે.
ભારતીય એવિએશન સેક્ટરમાં લાંબા સમયથી નાણાકીય કટોકટી અને સંચાલકીય પ્રશ્નો સામે ઝઝૂમી રહેલી વિમાન કંપની 'સ્પાઇસ જેટ' ની મુશ્કેલીઓમાં જંગી વધારો થયો છે. ટેક્સ સત્તાવાળાઓએ કંપની સામે લાલ આંખ કરતા એક મોટી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) વિભાગે ટેક્સ ચોરી અને કર ચૂકવણીમાં વ્યાપક અનિયમિતતાના ગંભીર આરોપસર સ્પાઇસ જેટને ૧૨૪ કરોડ રૂપિયાની મોટી ડિમાન્ડ નોટિસ ફટકારી છે.
વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે કંપનીએ મુસાફરો પાસેથી જીએસટી વસૂલ્યો હોવા છતાં તેને નિયત સમયમર્યાદામાં સરકારી તિજોરીમાં જમા કરાવ્યો નથી.
માત્ર ડિમાન્ડ નોટિસ જ નહીં, પરંતુ વારંવારની નોટિસો છતાં યોગ્ય પ્રતિસાદ ન મળતા હવે જીએસટી વિભાગે સ્પાઇસ જેટનું જીએસટી રજીસ્ટ્રેશન કાયમી ધોરણે રદ્દ કરવા માટેની કાનૂની પ્રક્રિયા પણ સત્તાવાર રીતે શરૂ કરી દીધી છે. જો રજીસ્ટ્રેશન રદ્દ થશે તો કંપનીની ફ્લાઇટ કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઈ શકે છે, જે તેના અસ્તિત્વ માટે સૌથી મોટો ફટકો સાબિત થશે.
(8:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
