News of Monday, 14th September 2026
દિશા સાલિયાન મર્ડર કેસમાં માયાનગરીમાં મોટો વિસ્ફોટ: CBIએ નોંધાઈ FIR, આદિત્ય ઠાકરે, રિયા ચક્રવર્તી અને સૂરજ પંચોલી સામે ષડયંત્રના ગંભીર આરોપો!
બૉમ્બે હાઈકોર્ટના કડક આદેશ બાદ કેન્દ્રીય તપાસ એજન્સીએ હાથ ધરી કાનૂની કાર્યવાહી; મુંબઈ પોલીસની કામગીરી અને પુરાવા નાશ કરવાના આરોપોથી રાજકારણ ગરમાયું

મુંબઈ, તા.૧૪: બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પૂર્વ મેનેજર દિશા સાલિયાનની રહસ્યમય મોતના કેસમાં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. બૉમ્બે હાઈકોર્ટના આદેશ બાદ કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) એ આ કેસમાં સત્તાવાર રીતે નવેસરથી FIR નોંધાઈ લીધી છે. આ એફ.આઈ.આર.માં શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરે, અભિનેત્રી રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, અભિનેતા ડિનો મોરિયા અને સૂરજ પંચોલી સહિત અનેક હાઇ-પ્રોફાઇલ હસ્તીઓ અને ભૂતપૂર્વ ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામો સામેલ કરવામાં આવ્યા છે.
શું છે સમગ્ર વિવાદ અને CBI FIRની વિગતો?
દિશા સાલિયાનના પિતા સતિષ સાલિયાન દ્વારા CBI સમક્ષ નોંધાવવામાં આવેલા વિસ્તૃત નિવેદનના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. અરજદારનો દાવો છે કે ૮ જૂન, ૨૦૨૦ના રોજ દિશાના મોતમાં મોટું ગુનાહિત ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તેને 'આત્મહત્યા'નું રૂપ આપવા માટે બનાવટી વાર્તાઓ ઊભી કરવામાં આવી અને રાજકીય તેમજ પોલીસ મશીનરીનો દુરુપયોગ કરીને કિંમતી પુરાવાનો નાશ કરવામાં આવ્યો અથવા તો તેમની સાથે છેડછાડ કરવામાં આવી હોવાનો આરોપ મુકાયો છે.
CBI FIR માં જે મુખ્ય નામોનો ઉલ્લેખ કરાયો છે તેમાં:
• રાજકીય અને બોલિવૂડ હસ્તીઓ: આદિત્ય ઠાકરે, રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, ડિનો મોરિયા, સૂરજ પંચોલી, રોહન રોય અને આદિત્ય ઠાકરેના સુરક્ષાકર્મીઓ.
• પૂર્વ કમિશનર અને પોલીસ અધિકારીઓ: મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ, જેલમાં બંધ પૂર્વ અધિકારી સચિન વાજે, તત્કાલીન હોમ મિનિસ્ટર અનિલ દેશમુખ અને માલવણી પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારીઓ.
• અન્ય સંસ્થાઓ: પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટર્સ, કલિના ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ના કર્મચારીઓ અને ઘટનાસ્થળ બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડ્સ.
હાઈકોર્ટની ફટકાર બાદ CBI એક્શનમાં
ઉલ્લેખનીય છે કે બૉમ્બે હાઈકોર્ટે મુંબઈ પોલીસની ભૂતકાળની તપાસ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને ૬ વર્ષ સુધી યોગ્ય FIR ન નોંધવા બદલ સખત ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે મુંબઈ પોલીસની તપાસ સમાધાનકારક નથી અને તેમાં અનેક વિસંગતતાઓ છે. આથી જ કોર્ટે CBIના કોઈ વરિષ્ઠ અધિકારીની દેખરેખ હેઠળ નવેસરથી નિષ્પક્ષ તપાસનો આદેશ આપ્યો હતો.
દિશા સાલિયાનના પિતા સતિષ સાલિયાને મીડિયા સામે ખુલ્લીને કહ્યું હતું કે, "અમે સત્ય માટે લડાઈ લડી રહ્યા છીએ. મારી પુત્રી સાથે જે બન્યું તે તમામ તથ્યો અમે તપાસ એજન્સીને સોંપ્યા છે. સત્યનો ક્યારેય પરાજય થતો નથી અને અમને ન્યાયતંત્ર પર પૂર્ણ વિશ્વાસ છે." આ હાઈ-પ્રોફાઇલ કેસમાં CBIની FIR દાખલ થતાં જ મહારાષ્ટ્રના રાજકારણ અને બોલિવૂડ ગલિયારામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
