<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોના ગેરકાયદે નેટવર્ક કેસમાં 4 રાજ્યોમાં EDના મોટા દરોડા : કરોડોની સંપત્તિ ખુલવાની શક્યતા

મની લોન્ડરિંગના આરોપમાં તપાસ : દસ્તાવેજો, રોકડ અને ડિજિટલ પુરાવા જપ્ત : માનવ તસ્કરી અને નકલી આધાર-પાન કાર્ડ રેકેટ સાથે જોડાયેલો મામલો

નવી દિલ્હી, તા. 17 : દેશમાં ગેરકાયદે ઘૂસણખોરી અને માનવ તસ્કરીના મોટા રેકેટના પર્દાફાશ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ આજે મોટી કાર્યવાહી કરી છે. બાંગ્લાદેશી અને રોહિંગ્યા ઘૂસણખોરોને દેશમાં ગેરકાયદે રીતે વસાવવા અને તેમના નામે બનાવટી દસ્તાવેજો બનાવવાના કેસમાં 4 રાજ્યોના 10થી વધુ સ્થળો પર ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.

EDના સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરોડા પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા અને દિલ્હીમાં પાડવામાં આવ્યા છે. આ તમામ જગ્યાએ તે લોકોના ઘર અને ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે જેમના પર ઘૂસણખોરોને ભારતમાં વસાવવામાં મદદ કરવાનો આરોપ છે.

આ સમગ્ર મામલો માત્ર ઘૂસણખોરીનો નથી, પરંતુ મની લોન્ડરિંગ સાથે પણ જોડાયેલો છે. આરોપ છે કે આ નેટવર્ક ઘૂસણખોરો પાસેથી મોટી રકમ લઈને તેમને નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી અને અન્ય સરકારી દસ્તાવેજો બનાવી આપતું હતું. 

આ પૈસાને હવાલા અને અન્ય ગેરકાયદે રસ્તાઓ દ્વારા દેશ-વિદેશમાં ફેરવવામાં આવતો હતો.

EDની ટીમોને દરોડા દરમિયાન મોટી માત્રામાં રોકડ, બેંક ખાતાના દસ્તાવેજો, પ્રોપર્ટીના કાગળો, નકલી સીલ અને ડિજિટલ ડિવાઈસ જપ્ત કરવામાં આવ્યા છે. અધિકારીઓનું માનવું છે કે આ રેકેટ દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરી કરવામાં આવી છે.

હાલ ED દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં સામેલ વધુ લોકોની ધરપકડ થવાની શક્યતા છે. કેન્દ્ર સરકારે આવા નેટવર્ક સામે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે.

(4:42 PM IST)