તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Wednesday, 29th April 2026
અમેરિકા પર મંડરાતું ભૂકંપનું મોટું સંકટ : કેલિફોર્નિયાની હેવર્ડ ફોલ્ટ લાઇન ગમે ત્યારે ફાટી શકે છે : લાખો લોકોના જીવન અને મિલકત સામે જોખમ હોવાની વૈજ્ઞાનિકોની ગંભીર ચેતવણી
'ટેક્ટોનિક ટાઈમ બોમ્બ' સમાન આ ફોલ્ટ લાઇન પર રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતાનો ભૂકંપ આવવાની પૂરેપૂરી શક્યતા : સેકડો લોકોના મોત અને હજારો ઈમારતો જમીનદોસ્ત થવાનો ભય

કેલિફોર્નિયા: અમેરિકાની સૌથી ખતરનાક ગણાતી હેવર્ડ ફોલ્ટ લાઇન પર ગમે ત્યારે વિનાશક ભૂકંપ ત્રાટકી શકે છે તેવી ચેતવણી વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવી છે. એક તાજા અભ્યાસ મુજબ, આ ફોલ્ટ લાઇન પર ભૂકંપનો સમય પાકી ગયો છે અને તે કેલિફોર્નિયાના ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો માટે 'ટેક્ટોનિક ટાઈમ બોમ્બ' સમાન સાબિત થઈ શકે છે. લોરેન્સ લિવરમોર નેશનલ લેબોરેટરી (LLNL) અને લોરેન્સ બર્કલે નેશનલ લેબોરેટરી (LBNL) ના સંશોધકોએ જણાવ્યું છે કે આ ભૂકંપથી બે એરિયાના લાખો લોકોના જીવન જોખમમાં મુકાઈ શકે છે.
ભૂતકાળ કરતાં પણ વધુ ભયાનક હોઈ શકે છે સંકટ:
સેન એન્ડ્રીયાસ ફોલ્ટ લાઇનનો જ એક ભાગ ગણાતી 74 માઇલ લાંબી હેવર્ડ ફોલ્ટ લાઇન બર્કલે, ઓકલેન્ડ અને ફ્રેમોન્ટ જેવા મુખ્ય શહેરોમાંથી પસાર થાય છે, જ્યાં અંદાજે 80 લાખથી વધુ લોકો વસવાટ કરે છે. વૈજ્ઞાનિકોના મતે આ ફોલ્ટ લાઇન પર સામાન્ય રીતે રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતાનો ભૂકંપ આવે છે. આ તીવ્રતા 1989ના લોમા પ્રિટા ભૂકંપ કરતા પણ વધુ છે, જેમાં 63 લોકોએ જીવ ગુમાવ્યા હતા. યુએસ જીઓલોજિકલ સર્વેના 'હેવાયર્ડ સિનેરિયો' રિપોર્ટ મુજબ, જો અત્યારે આ સ્તરનો ભૂકંપ આવે તો 800 લોકોના મોત થઈ શકે છે અને 18,000 થી વધુ લોકો ઘાયલ થઈ શકે છે.
95 થી 183 વર્ષનો ઇતિહાસ અને જોખમની ટકાવારી:
વૈજ્ઞાનિકોના ગણિત મુજબ હેવર્ડ ફોલ્ટ લાઇન પર દર 95 થી 183 વર્ષે મોટો ભૂકંપ આવે છે. છેલ્લે 1868માં અહીં મોટો ભૂકંપ આવ્યો હતો, જેનો અર્થ છે કે હવે ગમે ત્યારે આ સંકટ ત્રાટકી શકે છે. યુએસ જીઓલોજિકલ સર્વેના અંદાજ મુજબ, 2034 સુધીમાં 6.7 કે તેથી વધુ તીવ્રતાના ભૂકંપની શક્યતા 14.3% છે, જ્યારે 2043 સુધીમાં આ સંભાવના વધીને 33% જેટલી થઈ જાય છે. ભૂસ્તરશાસ્ત્રી ડેવિડ શ્વાર્ટઝે આ પરિસ્થિતિને ફાટવા માટે તૈયાર ટાઈમ બોમ્બ ગણાવી છે.
થ્રી-ડી સિમ્યુલેશન દ્વારા ભયાનકતાનો અંદાજ:
વૈજ્ઞાનિકોએ 50 જેટલા વિવિધ સિમ્યુલેશન મોડેલ દ્વારા અભ્યાસ કર્યો છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભૂકંપ દરમિયાન પૃથ્વીના પેટાળમાં પેદા થતી ઉર્જા અગાઉના અંદાજ કરતા 50 ટકા વધુ શક્તિશાળી હોઈ શકે છે. ખાસ કરીને લિવરમોર, ઓકલેન્ડ, બર્કલે, સેન લિયાન્ડ્રો અને આલામેડા જેવા વિસ્તારોમાં તેની અસર સૌથી વધુ જોવા મળશે. આ સિમ્યુલેશન મુજબ ઊંચી ઇમારતો અને લવચીક સ્ટ્રક્ચર્સને સૌથી વધુ નુકસાન થવાની ભીતિ છે.
આગ અને સ્થળાંતરનું મોટું જોખમ:
ભૂકંપ બાદની અસરો પણ અત્યંત ઘાતક રહેવાની આગાહી છે. 2018ના એક અહેવાલ મુજબ, આ કુદરતી આપત્તિના કારણે શહેરોમાં અંદાજે 400 જેટલી જગ્યાએ આગ ફાટી નીકળી શકે છે, જેનાથી 50,000 જેટલા ઘરો બળીને ખાખ થઈ શકે છે અને અંદાજે 5 લાખ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી શકે છે. સંશોધક આર્બેન પિતાર્કાના જણાવ્યા મુજબ, આ ડેટાનો ઉપયોગ એન્જિનિયરો સાથે મળીને જૂની ઇમારતોને મજબૂત કરવા અને માળખાગત સુવિધાઓને સુરક્ષિત કરવા માટે કરવામાં આવશે, જેથી જાનહાનિ ઘટાડી શકાય. વૈજ્ઞાનિકો હવે આ જ પ્રકારના સિમ્યુલેશનથી સેન એન્ડ્રીયાસ ફોલ્ટ લાઇનનો પણ અભ્યાસ કરી રહ્યા છે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
