તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
પંજાબ પોલીસ બેડામાં મોટો ભૂકંપ: ૧૩ લાખની લાંચના કેસમાં વિજિલન્સ ચીફ શરદ સત્ય ચૌહાણ CBIની રડારમાં, FIRમાં નામ આવતા ફફડાટ
પેન્ડિંગ કેસ બંધ કરવા સરકારી ઓફિસર પાસે વચેટિયાઓ મારફતે મંગાઈ હતી મોટી રકમ; સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને (CBI) ડીજીપીના ખાસ રીડર સહિત ત્રણ સામે ભ્રષ્ટાચારનો ગુનો નોંધી તપાસ તેજ કરી

ચંદીગઢ: પંજાબના વહીવટી અને પોલીસ તંત્રમાં લાંચખોરી અને ભ્રષ્ટાચાર સામે કડક નજર રાખતી સંસ્થા 'વિજિલન્સ બ્યુરો' (Vigilance Bureau) પોતે જ હવે એક મોટા ભ્રષ્ટાચારના વિવાદમાં ઘેરાઈ ગઈ છે. દેશની સર્વોચ્ચ તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તાજેતરમાં નોંધવામાં આવેલી એક હાઈ-પ્રોફાઈલ એફઆઈઆર (FIR) માં પંજાબના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે ડીજીપી (DGP) વિજિલન્સ શરદ સત્ય ચૌહાણના નામનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લાંચના આ મોટા કૌભાંડમાં ટોચના પોલીસ અધિકારીનું નામ સામે આવતાં જ આગામી દિવસોમાં તેમની કાનૂની મુશ્કેલીઓમાં અભૂતપૂર્વ વધારો થવાના સંકેતો મળી રહ્યા છે, જેનાથી સમગ્ર પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
ફરિયાદી સામેનો કેસ રફાદફા કરવા વચેટિયાઓ સક્રિય થયા
સીબીઆઈના એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તૈયાર કરવામાં આવેલા સત્તાવાર વેરિફિકેશન રિપોર્ટ અનુસાર, આ સમગ્ર મામલો એક સરકારી અધિકારી સામેની ફરિયાદ દબાવી દેવા સાથે જોડાયેલો છે. અબોહરના રહેવાસી અને રાજ્ય કર અધિકારી (State Tax Officer) અમિત કુમારે સીબીઆઈને એક લેખિત ફરિયાદ આપી હતી. આ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ખાનગી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા વિકાસ ગોયલ અને તેનો પુત્ર રાઘવ ગોયલ નામના બે વચેટિયાઓ પંજાબના વિજિલન્સ ચીફ શરદ સત્ય ચૌહાણ અને તેમના સત્તાવાર રીડર ઓપી રાણા વતી અમિત કુમારનો સંપર્ક કરી રહ્યા હતા. વિજિલન્સ ઓફિસમાં પેન્ડિંગ પડેલી તપાસને કાયમ માટે બંધ કરવા અને કેસનો નિકાલ કરવાના બદલામાં આ વચેટિયાઓએ ફરિયાદી પાસેથી ૧૩ લાખ રૂપિયાના ગેરકાયદેસર વળતર એટલે કે લાંચની માંગણી કરી હતી.
સીબીઆઈની એફઆઈઆરમાં કોના-કોના નામ સામેલ છે?
સીબીઆઈએ આ કેસમાં કડક વલણ અપનાવીને ૧૧ મેના રોજ ચંદીગઢ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે ગુનો દાખલ કર્યો છે. આ એફઆઈઆરમાં મુખ્ય આરોપીઓ તરીકે ડીજીપી વિજિલન્સના રીડર ઓપી રાણા, માલૌતના રહેવાસી ખાનગી કોન્ટ્રાક્ટર વિકાસ ગોયલ અને તેના પુત્ર રાઘવ ગોયલ સહિત કેટલાક અજાણ્યા સરકારી અને ખાનગી વ્યક્તિઓ વિરૂદ્ધ નામજોગ ગુનો નોંધવામાં આવ્યો છે. જો કે, આ એફઆઈઆરમાં વિજિલન્સ ચીફ શરદ સત્ય ચૌહાણનું નામ સીધું આરોપી તરીકે દર્શાવવામાં આવ્યું નથી, પરંતુ લાંચની રકમમાં તેમની સંડોવણી અને તેમના નામે ઉઘરાણી થઈ રહી હોવાના મજબૂત દસ્તાવેજી પુરાવા મળ્યા હોવાથી સીબીઆઈએ તેમની વિરૂદ્ધ પણ તપાસનો દોર લંબાવ્યો છે.
ગુનાહિત કાવતરૂં અને સત્તાનો દુરુપયોગ: કડક કલમો હેઠળ તપાસ શરૂ
આ હાઈ-પ્રોફાઈલ કેસની ગંભીરતાને જોતા સીબીઆઈએ શંકાસ્પદ આરોપીઓ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનાહિત કાવતરું રચવા, સરકારી સેવક દ્વારા પોતાના પદનો દુરુપયોગ કરીને અનુચિત આર્થિક લાભ મેળવવા તેમજ વ્યક્તિગત કે રાજકીય પ્રભાવનો ઉપયોગ કરીને જાહેર સેવકને ભ્રષ્ટ માધ્યમોથી પ્રભાવિત કરવા જેવી અત્યંત કડક અને જામીન ન મળે તેવી કલમો હેઠળ તપાસ શરૂ કરી છે. એજન્સી દ્વારા આગામી સમયમાં વિજિલન્સ ચીફની કચેરીમાં પણ દરોડા પાડવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
(12:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
