તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
ઓટો સેક્ટરમાં મહાભૂકંપ: ૧,૦૦,૦૦૦ કર્મચારીઓની છટણી અને ૪ પ્લાન્ટ બંધ કરવાની તૈયારીમાં દિગ્ગજ કાર કંપની!
ઓડી, પોર્શ અને લેમ્બોર્ગિની જેવી બ્રાન્ડ્સ બનાવતી યુરોપની સૌથી મોટી ઓટોમેકર ફોક્સવેગન આર્થિક સંકટમાં ઘેરાઈ : ચીન તરફથી મળી રહેલી કાંટાની ટક્કર અને ઘટતા નફાને કારણે વૈશ્વિક સ્તરે નોકરીઓનો ખતરો

બર્લિન: વૈશ્વિક ઓટોમોબાઈલ ઉદ્યોગમાંથી એક એવા ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જે આખા વિશ્વના બજારને હચમચાવી શકે છે. લક્ઝરી અને સ્પોર્ટ્સ કાર જેમ કે ઓડી, પોર્શ, લેમ્બોર્ગિની અને સ્કોડા બનાવતી યુરોપની સૌથી મોટી કાર નિર્માતા કંપની ફોક્સવેગન હવે અત્યાર સુધીની સૌથી મોટી છટણી કરવાની દિશામાં આગળ વધી રહી છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ઓલિવર બ્લુમ દ્વારા બોર્ડ સમક્ષ મૂકવામાં આવેલા નવા પ્રસ્તાવ મુજબ, વૈશ્વિક સ્તરે અંદાજે ૧,૦૦,૦૦૦ (એક લાખ) કર્મચારીઓને નોકરીમાંથી મુક્ત કરવામાં આવી શકે છે. આ આયોજન હેઠળ જર્મનીમાં આવેલા નેકરસુલ્મ સ્થિત ઓડી ફેક્ટરી સહિત હેનોવર, ઝ્વિકાઉ અને એમડેનના ચાર મોટા પ્લાન્ટ્સને કાયમી તાળાં મારવાની પણ ગંભીર યોજના છે, જેના કારણે વૈશ્વિક ઓટો સેક્ટરમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
કંપની આટલા મોટા પાયે આકરા નિર્ણયો લેવા પાછળનું મુખ્ય કારણ આ દાયકાના અંત સુધીમાં આશરે ૧૧ બિલિયન યુરો ($૧૨.૫ બિલિયન) જેટલો જંગી ખર્ચ ઘટાડવાની વ્યૂહરચના છે. હાલમાં ફોક્સવેગન ગ્રૂપ દુનિયાભરમાં અંદાજે ૬,૫૭,૦૦૦ લોકોને રોજગારી આપે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કંપની ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહી છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ, ચીનના બજારમાં વેચાણમાં આવેલો મોટો ઘટાડો અને યુરોપિયન માર્કેટમાં BYD તેમજ સ્ટેલાન્ટિસ જેવી સસ્તા ઇલેક્ટ્રિક વાહનો બનાવતી કંપનીઓ તરફથી મળી રહેલી આકરી સ્પર્ધાને કારણે ફોક્સવેગનનો નફો સતત ઘટી રહ્યો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે કંપનીએ તાજેતરમાં જ ફંડ એકત્ર કરવા માટે તેના મરીન એન્જિન યુનિટનો ૫૧% હિસ્સો પણ વેચી દેવો પડ્યો છે.
જોકે, આ પ્રસ્તાવ સામે આવતાની સાથે જ જર્મનીના શક્તિશાળી મજૂર સંગઠનો અને લેબર લીડર્સે કંપની સામે આરપારની જંગનું એલાન કરી દીધું છે. કંપનીની મજૂર પરિષદ અને આઈજી મેટલ યુનિયને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કર્મચારીઓની રોજીરોટી છીનવવાનો કે પ્લાન્ટ બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવશે, તો તેઓ પોતાની પૂરી તાકાતથી આ યોજનાનો વિરોધ કરશે અને રસ્તા પર ઉતરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ફોક્સવેગન ગ્રૂપના બોર્ડમાં અડધી બેઠકો મજૂર પ્રતિનિધિઓ પાસે હોવાથી અને જર્મન સરકાર પણ કામદારોની તરફેણમાં હોવાથી, સીઈઓ ઓલિવર બ્લુમ માટે આગામી મહિનાની બોર્ડ મીટિંગમાં આ પ્રસ્તાવને મંજૂર કરાવી અમલમાં મૂકવો એ લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે.
(5:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
