News of Sunday, 27th September 2026
બેંગકોકમાં ભારે આફત: ૪૮ કલાકમાં ૧૨ ઇંચ ધોધમાર વરસાદથી રાજધાનીના તમામ ૫૦ જિલ્લામાં આપત્તિ ઘોષિત, માર્ગો જળમગ્ન થતાં અનેક વાહનો ડૂબ્યા અને જનજીવન ઠપ્પ : જુઓ વિડીયો
બેંગકોક સહિત દેશના ૨૧ પ્રાંતોમાં પૂરનું રોદ્ર સ્વરૂપ, કેનાલો છલકાતાં ઘરોમાં પાણી ઘૂસ્યા; પ્રધાનમંત્રીએ લંડન પ્રવાસ ટૂંકાવ્યો અને રાહત કાર્યો માટે સેના મેદાનમાં આવી, એરપોર્ટ જતાં યાત્રીઓ માટે વિશેષ એડવાઇઝરી જાહેર કરાઈ

બેંગકોક / થાઇલેન્ડ:થાઇલેન્ડની રાજધાની બેંગકોક અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અવિરત અને મુશળધાર વરસાદે ભારે વિનાશ સર્જ્યો છે. માત્ર ૪૮ કલાકના સમયગાળામાં ૩૦૦ મિલીમીટર (લગભગ ૧૨ ઇંચ) જેટલો અતિભારે વરસાદ ખાબકતાં સમગ્ર શહેર જળબંબાકાર થઈ ગયું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા બેંગકોકના તમામ ૫૦ જિલ્લાઓને સત્તાવાર રીતે પૂર પ્રભાવિત 'ડિઝાસ્ટર ઝોન' (આપત્તિગ્રસ્ત વિસ્તાર) જાહેર કરવામાં આવ્યા છે. શહેરના મુખ્ય માર્ગો જળમગ્ન બની જતાં અનેક વાહનો અડધાથી વધુ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે.
કુદરતી આફતની ગંભીર પરિસ્થિતિને જોતાં થાઇલેન્ડના પ્રધાનમંત્રી અનુતિન ચાર્નવિરાકુલે તેમનો બ્રિટનનો પ્રવાસ અધવચ્ચેથી જ રદ કરીને તાત્કાલિક સ્વદેશ પરત ફરવાનો નિર્ણય લીધો છે. શહેરમાં આવેલી તમામ મુખ્ય કેનાલો (નહેરો) પાણીથી છલોછલ ભરાઈ જતાં પૂરના ગંદા પાણી રસ્તાઓ પરથી ઘરો, દુકાનો, શોપિંગ સેન્ટરો અને રેસ્ટોરન્ટ્સમાં ઘૂસી ગયા છે. સ્થાનિક રહીશો કમર સુધીના પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. અનેક સ્થળોએ લોકો પોતાની મોટરસાઇકલો ઢસડીને સુરક્ષિત સ્થળે લઈ જતા જોવા મળ્યા હતા, જ્યારે ડૂબેલી કારો માર્ગો પર રેઢિયાર પડી રહી છે.
શહેરના ગવર્નર ચડચાર્ટ સિટ્ટીપંટે પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કટોકટીની આ ક્ષણોમાં નાગરિકોના જાનમાલનું રક્ષણ કરવું એ પ્રાથમિકતા છે. કેનાલોના ઉભરાવાના કારણે પૂરની તીવ્રતા વધી છે, જેથી નજીકના પ્રાંતો સાથે મળીને પાણીને બહાર નિકાલ કરવાના પમ્પિંગ સ્ટેશનો પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે અને સરકારી કર્મચારીઓને 'વર્ક ફ્રોમ હોમ' કરવા સૂચના આપવામાં આવી છે.
પૂરના કારણે બેંગકોક ઉપરાંત દેશના અન્ય ૨૧ પ્રાંતોમાં મળીને ૮૪,૦૦૦થી વધુ લોકો પ્રભાવિત થયા છે. ઈમરજન્સી સેવાઓ દ્વારા નાગરિકોના મોબાઈલ પર ચેતવણીના મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. બેઘર થયેલા લોકો માટે શાળાઓમાં અસ્થાઈ આશ્રયસ્થાનો (શેલ્ટર હોમ) શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં ૧,૦૦૦થી વધુ લોકોએ આશરો લીધો છે. ઉપરાંત રાહત કાર્યો માટે થાઇલેન્ડ સેનાની મદદ લેવામાં આવી રહી છે અને સેના દ્વારા ફિલ્ડ કિચન શરૂ કરીને પૂરગ્રસ્તોને ખોરાક પૂરો પાડવામાં આવી રહ્યો છે. પાણીના ભરાવાને રોકવા શહેરમાં ૧૦ લાખ રેતીની ગુણોની બેરિકેડિંગ તૈયાર કરવામાં આવી છે.
વરસાદ અને પૂરના કારણે રાજધાનીના સુવર્ણભૂમિ અને ડોન મુએંગ એરપોર્ટ તરફ જતા મુખ્ય માર્ગો પણ પાણીમાં ગરકાવ થયા છે. નાગરિક વિમાનન પ્રાધિકરણે હવાઈ મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરીને એરપોર્ટ પહોંચવા માટે નિર્ધારિત સમય કરતાં ૨ થી ૩ કલાક વહેલા નીકળવાની અને શક્ય હોય તો રેલ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. વિમાની સેવાઓ આપતી એરલાઇન્સ કંપનીઓએ મુસાફરોને ટિકિટ કેન્સલેશન અને રી-શેડ્યુલિંગમાં છૂટછાટ આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય થાઇલેન્ડ પર બનેલી મજબૂત લો-પ્રેશર સિસ્ટમ અને સક્રિય દક્ષિણ-પશ્ચિમ મોનસૂનને કારણે હજુ પણ ભારે વરસાદની શક્યતા પૂરેપૂરી સેવાઈ રહી છે.
(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
