<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

યુપીમાં બેઠક વહેંચણી મુદ્દે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે મોટા મતભેદો

કોંગ્રેસની ૧૩૧ બેઠકોની માંગ સામે સપાએ માત્ર ૨૬ બેઠકોની ઓફર કરી: ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી માટે આજે બીજા તબક્કાની વાટાઘાટો : રામગોપાલ યાદવ અને રાજીવ રાયે કરી પુષ્ટિ, અખિલેશ યાદવ લેશે અંતિમ નિર્ણય

નવી દિલ્હી તા. ૨૪ : ઉત્તર પ્રદેશમાં વર્ષ ૨૦૨૭માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ઇન્ડિયા ગઠબંધનના બે મહત્ત્વપૂર્ણ સાથી પક્ષો સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠક વહેંચણી અંગે વાટાઘાટો તેજ બની છે. કોંગ્રેસે આશરે ૧૩૧ બેઠકોની માંગ કરી છે, જેની સામે અખિલેશ યાદવના નેતૃત્વ હેઠળની સમાજવાદી પાર્ટીએ પ્રથમ તબક્કામાં માત્ર ૨૬ બેઠકોની ઓફર કરી છે.

સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રામગોપાલ યાદવે આજે નવી દિલ્હી ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે કોંગ્રેસને ૨૬ બેઠકોની ઓફર કરવામાં આવી છે અને આજે ફરી વાટાઘાટો યોજાશે. સાંસદ રાજીવ રાયે પણ આ ઓફરને સમર્થન આપ્યું છે. 

કોંગ્રેસે શરૂઆતમાં ૧૮૧ બેઠકોની માંગ કરી હતી. ત્યારબાદ પોતાની માંગ ઘટાડીને આશરે ૧૩૧ બેઠકો કરી હતી. સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને રામપુર ખાસ, ફરૈંદા, મથુરા, ખેરાગઢ, જગદીશપુર, કિદવઈનગર, બાગપત, હાપુડ, ગોરખપુર શહેર અને વારાણસી કેન્ટ સહિતની ૨૬ બેઠકો આપવાનો પ્રસ્તાવ મૂક્યો હોવાનું જાણવા મળે છે.

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની કુલ ૪૦૩ બેઠકો છે. વર્ષ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને ૧૧૧ અને કોંગ્રેસને માત્ર બે બેઠકો મળી હતી. જોકે, વર્ષ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં બંને પક્ષોએ સાથે ચૂંટણી લડતાં સમાજવાદી પાર્ટીને ૩૭ અને કોંગ્રેસને છ બેઠકો મળી હતી.

બેઠકોની માંગ અને ઓફર વચ્ચે મોટો તફાવત હોવાથી આજની બીજા તબક્કાની બેઠક મહત્ત્વપૂર્ણ બની રહી છે. જોકે, હજુ સુધી બેઠક વહેંચણી અંગે કોઈ અંતિમ સમજૂતી થઈ નથી. 

(1:59 PM IST)