<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

યુક્રેનમાં મોટો સત્તાપલટો: રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ એનર્જી કિંગ સેરહી કોરેત્સ્કીને બનાવ્યા નવા વડાપ્રધાન, સંરક્ષણ મંત્રીની હકાલપટ્ટી થતા ભારે હોબાળો

યુદ્ધના કપરા સમયમાં શિયાળાની કટોકટીનો સામનો કરવા ઝેલેન્સ્કીનો માસ્ટરસ્ટ્રોક; સંરક્ષણ મંત્રીને પદભ્રષ્ટ કરાતા સંસદ બહાર પ્રચંડ વિરોધ પ્રદર્શનો શરૂ

કિવ : રશિયા સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે યુક્રેનના રાજકારણમાંથી એક અત્યન્ટ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. યુક્રેનની સંસદે આજે દેશના વહીવટીતંત્રમાં એક મોટો ફેરબદલ કરીને રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી દ્વારા નામાંકિત કરાયેલા સેરહી કોરેત્સ્કી (Serhiy Koretskyi) ને દેશના નવા વડાપ્રધાન તરીકે મંજૂરી આપી દીધી છે. યુદ્ધના આ નિર્ણાયક તબક્કે વડાપ્રધાનની નિમણૂક અને સંરક્ષણ મંત્રીની અચાનક હકાલપટ્ટીથી યુક્રેનનું રાજકારણ ગરમાયું છે.

રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કીએ સેરહી કોરેત્સ્કીના નામની ભલામણ કરતા જણાવ્યું હતું કે, ઊર્જા (એનર્જી) ક્ષેત્રે તેમનો ટ્રેક રેકોર્ડ અદભુત રહ્યો છે. યુક્રેન સામે આવી રહેલા બીજા યુદ્ધ સમયના આકરા શિયાળા (War-time Winter) માં દેશની ઉર્જા વ્યવસ્થા અને માળખાને ટકાવી રાખવા માટે કોરેત્સ્કી સૌથી યોગ્ય અને સક્ષમ વ્યક્તિ છે. ઉલ્લેખનીય છે કે, કોરેત્સ્કી મે ૨૦૨૫ થી યુક્રેનની રાષ્ટ્રીય તેલ અને ગેસ કંપની ‘નાફ્ટોગાઝ’ (Naftogaz) ના સીઈઓ (CEO) તરીકે સફળતાપૂર્વક સેવા આપી રહ્યા હતા.

સંરક્ષણ મંત્રીની હકાલપટ્ટીથી જનતામાં પ્રચંડ રોષ

નવા વડાપ્રધાનની તાજપોશીની સાથે જ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ એક મોટો અને વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. તેમણે માત્ર છ મહિનાના ટૂંકા કાર્યકાળ બાદ દેશના સંરક્ષણ પ્રધાન મિખાઈલો ફેડોરોવને તેમના પદ પરથી બરતરફ કરી દીધા છે.

રાષ્ટ્રપતિના આ એકતરફી નિર્ણયના વિરોધમાં સેંકડો પ્રદર્શનકારીઓ અને નાગરિકો યુક્રેનની સંસદ (રાડા) ની બહાર એકઠા થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. સંરક્ષણ નિષ્ણાતો અને ટીકાકારોએ પણ ચેતવણી આપી છે કે જ્યારે દેશ રશિયા સામે સીધા યુદ્ધમાં ઉતરેલો છે, ત્યારે સંરક્ષણ મંત્રી બદલવાનો આ નિર્ણય લશ્કરી સુધારાઓ અને યુદ્ધની રણનીતિને મોટી ઈજા પહોંચાડી શકે છે.

કોણ છે નવા વડાપ્રધાન સેરહી કોરેત્સ્કી?

સેરહી કોરેત્સ્કી યુક્રેનના કોર્પોરેટ અને એનર્જી સેક્ટરમાં ખૂબ મોટું નામ ધરાવે છે. યુદ્ધ દરમિયાન રશિયા દ્વારા યુક્રેનના પાવર ગ્રીડ અને ગેસ સપ્લાય લાઇન પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. આવા કપરા સમયમાં ‘નાફ્ટોગાઝ’ કંપનીના વડા તરીકે તેમણે દેશમાં ઇંધણની તંગી થવા દીધી ન હતી. હવે વડાપ્રધાન તરીકે દેશને અંધકાર અને ઠંડીથી બચાવવાની સૌથી મોટી જવાબદારી તેમના શિરે આવી પડી છે.

(6:36 PM IST)