તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th September 2026
એફિલ ટાવરમાં જેન્ડર ડિસ્ક્રીમિનેશનનો મોટો વિવાદ: BAPS હિન્દુ ધાર્મિક જૂથની મુલાકાત વખતે મહિલા કર્મચારીઓને દૂર રખાતા ટાવરના સીઈઓ પેટ્રિક બ્રાન્કો રુઇવોનું રાજીનામું!
મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને પ્રોટોકોલમાંથી બાકાત રાખવા સામે કર્મચારીઓએ કરી હતી હડતાળ; તપાસમાં ગંભીર ખામીઓ બહાર આવ્યા બાદ વર્ષના અંતે પદ છોડવાની જાહેરાત

પેરિસ, તા.૩૦: વિશ્વના સાત અજાયબીઓમાંથી એક એવા પેરિસના પ્રખ્યાત એફિલ ટાવરના સંચાલન સાથે જોડાયેલો એક અત્યંત ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે. ભારતથી ગયેલા 'બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા' (BAPS) ના પ્રતિનિધિ મંડળની મુલાકાત વખતે મહિલા કર્મચારીઓને દૂર રાખવાના અને પ્રક્રિયામાંથી બાકાત રાખવાના વિવાદ વચ્ચે એફિલ ટાવરનું સંચાલન કરતી કંપની SETE ના ડાયરેક્ટર જનરલ (CEO) પેટ્રિક બ્રાન્કો રુઇવોએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે.
સ્વતંત્ર તપાસમાં સામે આવી ગંભીર બેદરકારી, અસ્વીકાર્ય ભેદભાવ સ્વીકારાયો
ગયા સપ્ટેમ્બરે પેરિસમાં BAPS ના પરંપરાગત હિન્દુ પથ્થરના મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે સંસ્થાનું પ્રતિનિધિ મંડળ એફિલ ટાવરની મુલાકાતે ગયું હતું. આ મુલાકાત દરમિયાન ટાવરના મેનેજમેન્ટે મહિલા કર્મચારીઓને BAPS ના સાધુઓ કે પ્રતિનિધિ મંડળના સંપર્કમાં ન આવવાની સૂચના આપી હોવાનો આક્ષેપ થયો હતો. આ બાબતે ભારે હોબાળો થતાં ૧૩૭ વર્ષ જૂના આ સ્મારકને કર્મચારીઓએ હડતાળ પાડીને બંધ રાખ્યું હતું. ત્યારબાદ કરાયેલી સ્વતંત્ર તપાસમાં મેનેજમેન્ટ તરફથી "અસ્વીકાર્ય લિંગ-આધારિત ભેદભાવ" થયો હોવાનું સાબિત થતાં સીઈઓ પેટ્રિક રુઇવોને પદ છોડવાની ફરજ પડી છે.
BAPS જૂથનું સ્પષ્ટીકરણ: લિંગ-આધારિત કોઈ વિનંતી કરાઈ નહોતી
બીજી તરફ, આ વિવાદ અંગે સ્પષ્ટતા કરતાં BAPS ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "અમે ક્યારેય લિંગ-આધારિત કોઈ વિનંતી કરી નહોતી. મુલાકાત દરમિયાન મોટા જૂથને કારણે ટાવરના સામાન્ય પ્રવાસીઓને કે કર્મચારીઓને કોઈ અગવડ ન પડે તે માટે કેવળ વ્યવસ્થાપન (લોજિસ્ટિક્સ) અને સૌજન્યના ભાગરૂપે સંકલન કરવામાં આવ્યું હતું."
દર વર્ષે ૭૦ લાખથી વધુ પ્રવાસીઓની યજમાની કરતા એફિલ ટાવરના ચેરમેન એરિયલ વેઇલે જણાવ્યું છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સંસ્થામાં જેન્ડર ઈક્વાલિટી (લિંગ સમાનતા) અંગે કડક તાલીમ કાર્યક્રમો અને નવા નિયમો તાત્કાલિક અસરથી અમલમાં મુકાશે.
(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
