<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

પંજાબમાં પાકિસ્તાની ડ્રોન મારફતે હથિયારો અને ડ્રગ્સ મોકલવાનું મોટું કાવતરું નિષ્ફળ: બે સગીરો સહિત ૧૧ આરોપીઓની ધરપકડ

અમૃતસરમાં પોલીસ કમિશનરેટ દ્વારા સફળ ઓપરેશન પાર પાડીને ૧૨ પિસ્તોલ, ગ્રેનેડ અને હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો; વિદેશી હેન્ડલર્સ સાથે કાવતરાનો પર્દાફાશ.

અમૃતસર : પંજાબના અમૃતસર ખાતે કમિશ્નરેટ પોલીસ દ્વારા સોમવારના રોજ એક મોટી કાર્યવાહી હાથ ધરીને પાકિસ્તાન તરફથી ડ્રોન મારફતે સરહદ પારથી મોકલવામાં આવેલા હથિયારો અને નશીલા પદાર્થોના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં બે સગીરો સહિત કુલ ૧૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસ દ્વારા રણજીત એવન્યુ, છેહરટા અને સુલ્તાનવિંડ વિસ્તારોમાં બાતમીના આધારે હાથ કરાયેલી ઘેરાબંધી અને દરોડાની કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી ૨ હેન્ડ ગ્રેનેડ, ૧૨ પિસ્તોલ, ૩૩ કારતૂસ, ૩૧૦ ગ્રામ હેરોઈન, ૧૨ મેગેઝીન તેમજ એક ચોરીની મોટરસાઇકલ જપ્ત કરવામાં આવી છે.

 

ઘટનાની વિગતવાર માહિતી આપતા પોલીસ કમિશનર હરમનબીર સિંહ ગિલ, ડીસીપી પ્રભજોત સિંહ વિર્ક અને ડીસીપી જસરનજીત સિંહ તેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ નેટવર્ક પાકિસ્તાની તસ્કરો સાથે મળીને ડ્રોન દ્વારા અટારી સેક્ટરમાં માલ મંગાવતું હતું અને વિદેશમાં બેઠેલા કુખ્યાત ગેંગસ્ટર હરમનપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી જટ તથા દુબઈના હેરોઈન તસ્કર કરણના ઈશારે આ જથ્થો ગુનેગારો સુધી પહોંચાડવામાં આવતો હતો.

 

પકડાયેલા આરોપીઓમાં બોબી, સંયાલ સિંહ, સતમોલ સિંહ ઉર્ફે ઠેકેદાર, હરપ્રીત સિંહ, આકાશદીપ સિંહ, શમશેર સિંહ અને ગુરબીર સિંહ સહિતના શખ્સો સામેલ છે, જેમાંથી અનેક વિરુદ્ધ અગાઉ પણ એનડીપીએસ એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

 

ભૂતકાળમાં પણ સરહદી વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા ડ્રોન મારફતે ડ્રગ્સ અને હથિયારો ફેંકવાની અસંખ્ય નાપાક કોશિશો કરવામાં આવી છે, જેને ભારતીય સુરક્ષાદળો અને પંજાબ પોલીસ દ્વારા સતર્કતા દાખવીને અવારનવાર નિષ્ફળ બનાવવામાં આવી છે.

 

આગામી સમયમાં પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય આ સિન્ડિકેટના અન્ય સાગરિતોને ઝડપી પાડવા માટે રિમાન્ડ મેળવીને વધુ સઘન પૂછપરછ કરવામાં આવશે અને સરહદ પારના નેટવર્કની કડીઓ જોડવામાં આવશે.

(8:42 PM IST)