<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

દેશના વિવિધ ભાગોમાં હવામાનની પેટર્નમાં મોટો ફેરફાર : દક્ષિણ ભારતમાં માવઠા અને તેજ પવનો:ઉત્તર-પૂર્વમાં ગાઢ ધુમ્મસ સાથે તીવ્ર ઠંડીનો અહેસાસ

ઉત્તરઅને પૂર્વોત્તર ભારતના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટવાની ચેતવણી: દક્ષિણ આંદામાન સાગરમાં સંભવિત ચક્રવાતી ગતિવિધિને ધ્યાનમાં રાખીને ખાસ સાવચેતીના પગલાં લેવા સૂચના

નવી દિલ્હી :દેશના વિવિધ ભાગોમાં હવામાનની પેટર્નમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, એક તરફ દક્ષિણ ભારતના રાજ્યોમાં માવઠા સાથે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે, તો બીજી તરફ ઉત્તર અને પૂર્વોત્તર ભારતના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટવાની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત, દક્ષિણ આંદામાન સાગરમાં સંભવિત ચક્રવાતી ગતિવિધિને ધ્યાનમાં રાખીને પણ ખાસ સાવચેતીના પગલાં લેવા જણાવવામાં આવ્યું છે, જેનાથી દરિયાઈ વિસ્તારો અને સામાન્ય જનજીવન પર અસર પડી શકે છે.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં 28 નવેમ્બરના રોજ કેટલાક સ્થળોએ ભારે કમોસમી વરસાદ ખાબકી શકે છે, જ્યારે 28 નવેમ્બરે આ વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા છે. કેરળ અને માહેમાં 28 નવેમ્બરે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 28 નવેમ્બરે  ગાજવીજ સાથે વીજળી પડવાની અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેની ગતિ વધીને 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ઉપરાંત, કેરળ, માહે અને લક્ષદ્વીપમાં પણ 27 અને 28 નવેમ્બરે અનેક સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે.

બીજી તરફ, આંદામાન અને નિકોબાર ટાપુ સમૂહ માટે પણ હવામાન વિભાગે મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે. IMDના જણાવ્યા મુજબ, 29 નવેમ્બરની આસપાસ દક્ષિણ આંદામાન સાગર ઉપર ચક્રવાત રચાય તેવી શક્યતા છે. તેની અસર હેઠળ 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી આંદામાન અને નિકોબાર ટાપુ સમૂહમાં ઘણા સ્થળોએ વરસાદ પડી શકે છે અને 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર વચ્ચે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થવાનો અંદાજ છે. 29 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન ગાજવીજ, વીજળી પડવા અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જેની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

વરસાદ અને સંભવિત ચક્રવાતની સાથે સાથે દેશના અનેક રાજ્યોમાં ગાઢ ધુમ્મસનો પ્રકોપ પણ વધવાની સંભાવના છે. હવામાન વિભાગના અંદાજ મુજબ, 28  નવેમ્બરે આસામ અને મેઘાલયમાં ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 28 નવેમ્બરના રોજ ધુમ્મસની અસર જોવા મળી શકે છે. દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, પંજાબ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 28 થી 29 નવેમ્બર સુધી ગાઢ ધુમ્મસની ચેતવણી છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં 28 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ધુમ્મસ લોકોને પરેશાન કરી શકે છે. સલામતીના ભાગરૂપે IMDએ માછીમારોને 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી આંદામાન સાગરમાં દરિયામાં ન જવા સલાહ આપી છે અને 28 નવેમ્બરે કેરળ તથા લક્ષદ્વીપ નજીકના અરબી સાગરના વિસ્તારોમાં માછીમારોને સતર્ક રહેવા જણાવ્યું છે.

(12:18 AM IST)