News of Tuesday, 17th November 2026
દેશના વિમાન મથકોની સુરક્ષા વ્યવસ્થામાં મોટો બદલાવ : CISF જવાનોની સંખ્યા ઘટાડીને ખાનગી સુરક્ષા એજન્સીઓને જવાબદારી સોંપાશે
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા તબક્કાવાર ફેરફારને મંજૂરી : ૧૧૯ એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિકના આધારે ત્રણ શ્રેણીઓ નક્કી કરાઈ : સુરક્ષા ખર્ચ ઘટાડવા અને વ્યવસ્થા વધુ સક્ષમ બનાવવા માટે નિયામક બ્યુરો દ્વારા નવા ધોરણો જારી (ન્યૂઝફર્સ્ટ)

નવી દિલ્હી (ન્યૂઝફર્સ્ટ): દેશના એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા એરપોર્ટ પર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ એટલે કે સીઆઇએસએફના જવાનોની તહેનાતી તબક્કાવાર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યવસ્થા હેઠળ એરપોર્ટ પર શસ્ત્ર વગરની અન્ય સુરક્ષા જવાબદારીઓ હવે ખાનગી સુરક્ષા એજન્સીઓ સંભાળશે.
સુરક્ષા એજન્સીઓ, ઇન્ટેલિજન્સ બ્યુરો, સીઆઇએસએફ તેમજ ગૃહ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય વચ્ચે એક વર્ષ સુધી ચાલેલા સર્વે બાદ બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી દ્વારા ગત ૨૭ ઓક્ટોબરના રોજ આ અંગેના સંશોધિત સુરક્ષા ધોરણો જારી કરવામાં આવ્યા છે. દેશમાં કુલ ૧૧૯ એરપોર્ટ આવેલા છે, જેમાંથી હાલમાં ૭૪ એરપોર્ટ પર સીઆઇએસએફ સુરક્ષા પ્રદાન કરી રહી છે, જ્યારે બાકીના ૪૫ એરપોર્ટ પર રાજ્યની પોલીસ સુરક્ષા સંભાળી રહી છે.
એરપોર્ટનું ત્રણ શ્રેણીઓમાં વર્ગીકરણ અને નવા ધોરણો:
નવા નિયમો અનુસાર એરપોર્ટ પર મુસાફરોની અવરજવર અને ફ્લાઇટ ઓપરેશનના આધારે તેનું ત્રણ વર્ગોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જેમાં માસિક ૧ લાખથી ઓછા મુસાફરો ધરાવતા નાના એરપોર્ટ, ૧ થી ૧૦ લાખ મુસાફરો ધરાવતા મધ્યમ એરપોર્ટ અને ૧૦ લાખથી વધુ મુસાફરો ધરાવતા મોટા એરપોર્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સંશોધિત ધોરણો મુજબ સીઆઇએસએફ માટે ૨૮ ટકા અને રાજ્ય પોલીસ માટે ૧૪ ટકા રિઝર્વ ફોર્સ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે સુપરવાઇઝરી સ્ટાફની સંખ્યા એરપોર્ટની જરૂરિયાતો અનુસાર નક્કી કરાશે.
સુરક્ષા ખર્ચ ઘટાડવાનો મુખ્ય હેતુ:
સરકારના આ મોટા ઓવરહોલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એરપોર્ટ પર સુરક્ષા તહેનાતીને તર્કસંગત બનાવવાનો અને પેસેન્જર સુરક્ષા પાછળ થતા ખર્ચને નિયંત્રણમાં રાખવાનો છે. ખાનગી એજન્સીઓને બિન-સશસ્ત્ર ફરજો સોંપવાથી સીઆઇએસએફ પરનું ભારણ ઘટશે અને સુરક્ષા વ્યવસ્થા વધુ વ્યવસ્થિત બનશે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
