<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

અયોધ્યા રામ મંદિરમાં દર્શન માટે ઓનલાઈન પાસ સિસ્ટમમાં મોટો ફેરફાર: 18 પેટામંદિરોના દર્શન શરૂ, 1 પાસ પર 5 ભક્તોને એન્ટ્રી

ભીડ નિયંત્રણ માટે 7 સ્લોટમાં દર્શન, દરરોજ 17,500 શ્રદ્ધાળુઓને મળશે લાભ: 13 એપ્રિલથી 27 એપ્રિલ સુધી ટ્રાયલ ધોરણે પાસ વ્યવસ્થા

અયોધ્યા, તા.૨૪ : અયોધ્યામાં રામલલાના દર્શન માટે આવતા ભક્તો માટે રાહતના સમાચાર છે. રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઈન પાસ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે રામ મંદિર પરિસરમાં બનેલા તમામ 18 પેટામંદિરોના દર્શન શ્રદ્ધાળુઓ કરી શકશે, પરંતુ તેના માટે પહેલા ઓનલાઈન પાસ બનાવવો ફરજિયાત રહેશે. 

નવી વ્યવસ્થા શું છે?

મંદિર પ્રશાસન અનુસાર રામલલાનો દરબાર સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. બપોરે 12 થી 1 વાગ્યા સુધી તમામ મંદિરોના કપાટ બંધ રહેશે. બાકીના 13 કલાક સુધી સતત દર્શન ચાલુ રહેશે. ભીડને નિયંત્રિત રાખવા શ્રદ્ધાળુઓને 7 સ્લોટમાં દર્શન કરાવવામાં આવશે. દર બે કલાકના અંતરાલ પર નવો સ્લોટ શરૂ થશે. 

દરેક સ્લોટમાં 500 પાસ ઉપલબ્ધ હશે અને 1 પાસ પર 5 શ્રદ્ધાળુઓને દર્શન મળશે. આ રીતે એક દિવસમાં કુલ 3500 પાસ જારી થશે અને 17,500 શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. દરેક સ્લોટમાં લગભગ 1500 શ્રદ્ધાળુઓને પ્રવેશ અપાશે. 

ટ્રાયલ ધોરણે શરૂઆત

રામ મંદિર પ્રશાસને ટ્રાયલ તરીકે 13 એપ્રિલથી 27 એપ્રિલ સુધી બે અઠવાડિયા માટે પાસની વ્યવસ્થા કરી છે. પાસ જારી કરવાની જાહેરાત થતાં જ 13 એપ્રિલના લગભગ 90 ટકા પાસ થોડી જ મિનિટોમાં બુક થઈ ગયા હતા. 

કયા મંદિરોના થશે દર્શન?

સામાન્ય પાસ પર સપ્ત મંડપમ - મહર્ષિ વાલ્મીકિ, વિશ્વામિત્ર, અગસ્ત્ય, વસિષ્ઠ, નિષાદરાજ, અહલ્યા, માતા શબરી, શેષાવતાર લક્ષ્મણજીનું મંદિર, કુબેર ટીલા પર ભગવાન શિવનું મંદિર અને રામ મંદિરના બીજા માળે બિરાજમાન રામ પરિવારના દર્શન થશે. 

દર્શનનો સમય બદલાયો હતો

અગાઉ ભીડને ધ્યાનમાં રાખીને દર્શનનો સમય સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી કરાયો હતો. સવારે 4 વાગ્યે મંગળા આરતી અને સાંજે 7 વાગ્યે સંધ્યા આરતી થાય છે. હાલમાં અયોધ્યા રામ મંદિર સવારે 7 થી 10 વાગ્યા સુધી ભક્તો માટે ખુલ્લું છે. 

રામ મંદિરની વેબસાઇટ પર ઓનલાઈન પાસ બુક કરાવી શકાશે. પાસ વગર મંદિરમાં એન્ટ્રી મળશે નહીં. 

(4:53 PM IST)