<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

લોન્‍ચિંગ સાથે જ ‘રેઈનમુંબઈ'માં પ્રથમ મહિનામાં ૨૦,૦૦૦ લોટનું ટ્રેડિંગ

રેઈન મુંબઈ દેશનો પ્રથમ એક્‍સચેન્‍જ ટ્રેડેડ વરસાદ ફયુચર્સ કોન્‍ટ્રેક્‍ટ : આર્થિક રાજધાનીમાં વરસાદનો વિલંબ રેઈન મુંબઈ માટે આશીર્વાદરૂપ

મુંબઈ,તા.૦૪: રેઈનમુંબઈ નામના દેશના પ્રથમ વેધર ડેરિવેટિવ્‍ઝ કોન્‍ટ્રાટ્‍સે તેના પદાર્પણ સાથે જ ૨૦,૦૦૦ લોટનું ટ્રેડિગ કરી લોકોને ચોંકાવી દીધા છે. આ વર્ષે મુંબઈમાં ચોમાસું અપેક્ષા કરતાં થોડું શરૂ થયું. જેના કારણે ભારતના પ્રથમ વેધર ડેરિવેટિવ્‍ઝ કોન્‍ટ્રેક્‍ટને તેની ક્ષમતા સાબિત કરવાની તક મળી. રેઈનમુંબઈ દેશનો પ્રથમ એક્‍સચેન્‍જ ટ્રેડેડ વરસાદ ફયુચર્સ કોન્‍ટ્રેક્‍ટ છે, જેણે નેશનલ કોમોડિટી એન્‍ડ ડેરિવેટિવ્‍ઝ એક્‍સચેન્‍જ (એનસીડીઈએક્‍સ) પર લોન્‍ચ થયા પછીના પ્રથમ મહિનામાં જ લગભગ ૨૦,૦૦૦ લોટનું ટ્રેડિગ કર્યું હતું. કોમોડિટી એક્‍સચેન્‍જે નોંધ્‍યું હતું કે, રેઈનમુંબઈએ વરસાદની અપેક્ષાઓના ભવિષ્‍યવલક્ષી સૂચક તરીકેના તેના મુખ્‍ય હેતુને પૂર્ણ કરવાનું શરૂ કરી દીધું છે. આ સમય અસામાન્‍ય રીતે શુષ્‍ક જૂન સાથે પણ સુસંગત છે, કેમ કે, મુંબઈમાં ચોમાસું મોડું પહોંચ્‍યું હોવાથી વરસાદની ખાધ નોંધાઈ હતી.

એક્‍સચેન્‍જના જણાવ્‍યા અનુસાર, પહેલા મહિના દરમિયાન સરેરાશ દૈનિક ટ્રેડિગ વોલ્‍યૂમ લગભગ એક હજાર લોટનું હતું. જ્‍યારે સૌથી વ્‍યસ્‍ત સત્રમાં એટલે કે, ૧૫ જૂનના રોજ ૨,૦૩૯ લોટનું ટ્રેડિગ થયું હતું. સાપ્તાહિક ધોરણે ભાગીદારીમાં સતત વધારો થયો છે. જેમાં મુખ્‍ય હવામાન અપડેટ્‍સ અને વરસાદની ઘટનાઓના આધારે ટ્રેડિગ પ્રવૃત્તિ એકજૂથ થઈ રહી છે. એક્‍સચેન્‍જે વધુમાં જણાવ્‍યું હતું કે, પ્રારંભના મહિનામાં ઉત્તરોત્તર મજબૂત પ્રતિસાદ જોવા મળ્‍યો છે, જેમાં પ્રદેશો અને હિસ્‍સેદારોમાં ભાગીદારીનો વધારો થયો છે. જો કે પ્રથમ મહિનો મોટાભાગે બજાર પરિચયનો તબક્કો હતો. ત્‍યારે કોન્‍ટ્રેક્‍ટ પહેલાથી જ વરસાદની અપેક્ષાઓ માટે ભવિષ્‍યલક્ષી ભાવ સંકેત આપીને તેના મુખ્‍ય ઉદ્દેશ્‍યને પૂર્ણ કરવાનું શરૂ કરી દીધું છે. નોંધનીય છે કે, નેશનલ કોમોડિટી એન્‍ડ ડેરિવેટિવ્‍ઝ એકસચેન્‍જે મે ૨૦૨૬ના અંતમાં ‘રેનમુંબઈક્ર નામનો ભારતનો પ્રથમ એક્‍સચેન્‍જ ટ્રેડેડ વેધર ડેરિવેટિવ્‍ઝ કોન્‍ટ્રાક્‍ટ શરૂ કર્યો હતો. આ કોન્‍ટ્રાક્‍ટ મુંબઈના વરસાદના ડેટા પર આધારિત છે.

આ ડેટા ભારતના હવામાન વિભાગમાંથી લેવામાં આવશે. આ કોન્‍ટ્રાક્‍ટ બજારના સહભાગીઓને વરસાદમાં વધઘટથી ઉદ્દભવતા નાણાંકીય જોખમને હેજ કરવામાં મદદ કરવા માટે રચાયેલ છે. આ કોન્‍ટ્રેક્‍ટ રોકડ પતાવટ દ્વારા કરાશે અને ચોમાસાની ઋતુ દરમિયાન શહેરના લાંબા ગાળાના સરેરાશથી વાસ્‍તવિક વરસાદના વિચલનને ટ્રેક કરશે. માત્ર જુન, જુલાઈ, ઓગસ્‍ટ અને સપ્‍ટેમ્‍બર મહિના માટેના કરારો જ વેપાર માટે ઉપલબ્‍ધ રહેશે, જે મુંબઈના ચોમાસાની પેટર્નને ટ્રેક કરશે.

(10:04 AM IST)