<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

મહારાષ્ટ્ર એમપીએસસી પેપર લીક વિવાદ વચ્ચે મોટો વહીવટી ફેરફાર: આઈએએસ સૌરભ કટિયારને સોંપાઈ મહત્વની જવાબદારી

મુંબઈ ઉપનગરના કલેક્ટરને એમપીએસસીના સચિવનો વધારાનો હવાલો: સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે પારદર્શિતા લાવવા સરકારનું કદમ

મુંબઈ, તા. ૧૫: મહારાષ્ટ્ર લોક સેવા આયોગ (MPSC) ની પરીક્ષામાં કથિત પેપર લીક અને વિવિધ ગેરરીતિઓના ગંભીર આરોપોને લઈને રાજ્યભરમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્ય સરકારે એક મોટો અને વ્યુહાત્મક વહીવટી નિર્ણય લીધો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા પુનઃ સ્થાપિત કરવા અને ઉમેદવારોનો વિશ્વાસ જીતવા માટે મુંબઈ ઉપનગર જિલ્લાના યશસ્વી કલેક્ટર તથા આઈએએસ અધિકારી સૌરભ કટિયારને મહારાષ્ટ્ર લોક સેવા આયોગના સચિવનો વધારાનો મહત્વનો હવાલો સોંપવામાં આવ્યો છે.

આ નવા નિમણૂક પામેલા અધિકારી સૌરભ કટિયાર મહારાષ્ટ્ર કેડરના ૨૦૧૬ બેચના અત્યંત તેજસ્વી આઈએએસ અધિકારી છે. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર દેહાત જિલ્લાના વતની છે. સિવિલ સર્વિસમાં જોડાતા પહેલા તેમણે પ્રતિષ્ઠિત આઈઆઈટી (IIT) કાનપુરમાંથી બી.ટેક અને એમ.ટેકનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો તેમજ બેંગ્લોર ખાતે ખાનગી ક્ષેત્રની પ્રખ્યાત ક્વાલકોમ કંપનીમાં પણ પોતાની સેવાઓ આપી હતી. પોતાની વહીવટી કારકિર્દી દરમિયાન તેમણે મહારાષ્ટ્રના વિવિધ સંવેદનશીલ જિલ્લાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.

સૌરભ કટિયાર અગાઉ અમરાવતીના કલેક્ટર તરીકે પણ સફળતાપૂર્વક સેવાઓ આપી ચૂક્યા છે. અમરાવતીમાં તેમના કાર્યકાળ દરમિયાન મેલઘાટના આદિવાસી વિસ્તારમાં માતા અને બાળકના સ્વાસ્થ્ય સુધારવા માટે શરૂ કરાયેલું 'મિશન ૨૮' ભારે પ્રશંસા પામ્યું હતું. આ વિશેષ અભિયાન અંતર્ગત જોખમી ગર્ભાવસ્થાની સમયસર ઓળખ, સગર્ભા મહિલાઓની નિયમિત દેખરેખ અને પ્રસૂતિ બાદની વિશેષ સંભાળ પૂરી પાડવામાં આવી હતી, જેના પરિણામે વિસ્તારમાં માતા અને શિશુ મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત તેમણે અકોટા જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે પણ પ્રશંસનીય કામગીરી કરી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી એમપીએસસી પરીક્ષામાં પેપર લીક થવાની ઘટનાઓ અને ગેરરીતિઓને લઈને પુણે સહિત સમગ્ર રાજ્યમાં યુવા ઉમેદવારો અને સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની મુખ્ય માંગ પરીક્ષા વ્યવસ્થામાં કડક સુધારા કરવાની અને આયોગના કામકાજમાં સંપૂર્ણ પારદર્શિતા લાવવાની હતી. આ ગંભીર વિવાદને પગલે અગાઉના સચિવ મહેન્દ્ર હરપાળકરની પ્રતિનિયુક્તિ સમાપ્ત કરવામાં આવી હતી અને હવે સ્વચ્છ છબી ધરાવતા આઈએએસ અધિકારી સૌરભ કટિયારને આ જવાબદારી સોંપવામાં આવી છે.

વહીવટી વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે કે સૌરભ કટિયાર જેવા કાર્યક્ષમ અને ટેકનોસેવી અધિકારીના આગમનથી એમપીએસસીની સમગ્ર પરીક્ષા પદ્ધતિમાં નવી શિસ્ત આવશે અને વિદ્યાર્થીઓનો ડાયરેક્ટ ભરોસો ફરી બેસશે. આગામી સમયમાં આયોગ દ્વારા પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટે કયા નવા પગલાં લેવામાં આવે છે તેના પર સમગ્ર રાજ્યના લાખો સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોની મીંડ માંડીને નજર રહેશે.

(4:33 PM IST)