<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

કપિલ શર્માના કેફે પર ગોળીબાર મામલે કેનેડામાં મોટી કાર્યવાહી: ૨ આરોપીની ધરપકડ

ખંડણી ઉઘરાવવાના ઇરાદે ફાયરિંગ કરનારા શંકાસ્પદો સામે શિકંજો, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ દ્વારા સત્તાવાર ગુનો દાખલ

ઓટાવા: કેનેડામાં જાણીતા ભારતીય કોમેડિયન કપિલ શર્માના કેફે પર થયેલા અંધાધૂંધ ગોળીબારના સનસનાટીભર્યા કેસમાં કેનેડિયન પોલીસે મોટી કાર્યવાહી કરીને ૨ શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલા બંને શખ્સો સામે પોલીસ દ્વારા સત્તાવાર રીતે આરોપો પણ નક્કી કરી દેવામાં આવ્યા છે, જેનાથી વિદેશમાં વસતા ભારતીય સમુદાય અને મનોરંજન જગતમાં આ કેસ અંગે ભારે ચર્ચા જાગી છે.

રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગત ૧ નવેમ્બરના રોજ ૨૨ વર્ષના બે શંકાસ્પદ આરોપીઓ પ્રદીપ સિંહ અને સવીર ખાનની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ તપાસ અનુસાર, ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ૧૨૦ સ્ટ્રીટના ૮૪૦૦-બ્લોક ખાતે આવેલા કેફે પર ફાયરિંગની ઘટના બની હતી. ગોળીબાર થયો તે સમયે કેફે બંધ હતું, પરંતુ અંદર ૨ કર્મચારીઓ હાજર હતા, જેઓ સદનસીબે આ આતંકમાંથી સુરક્ષિત બચી ગયા હતા.

તપાસમાં બહાર આવ્યું છે કે પ્રદીપ સિંહ અને સવીર ખાન સામે માત્ર આ એક જ નહીં, પરંતુ ગોળીબારની અન્ય એક ઘટના સંબંધિત પણ ગુનાહિત આરોપો લગાવવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ બંને હુમલાઓ પાછળ ખંડણી વસૂલવાનું મોટું ષડયંત્ર અને આયોજન જોડાયેલું હતું.

નોંધનીય છે કે ઓક્ટોબર ૨૦૨૫માં બનેલી આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. હાલ કેનેડિયન પોલીસ દ્વારા બંને આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાગરીતોની ભાળ મેળવવા આગળની કાનૂની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે.

(11:51 PM IST)