<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

યુપીના પીલીભીતમાં મતદાર યાદીમાં ગંભીર ગડબડ મામલે ચૂંટણી પંચની મોટી કાર્યવાહી: બે SDM સહિત ત્રણ અધિકારીઓ સામે FIR નોંધી તપાસ શરૂ

સદર વિધાનસભાના ૧૬,૫૫૪ મતદારોના નામ બદલવા અને હેરાફેરીના કોંગ્રેસના આક્ષેપો બાદ ધમાસણ: મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ આપ્યા આકરા આદેશો

પીલીભીત : ઉત્તર પ્રદેશના પીલીભીતમાં મતદાર યાદીમાં મોટા પાયે વિસંગતતાઓ અને અનિયમિતતાઓના આરોપો સામે આવ્યા બાદ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અભૂતપૂર્વ અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. દેશભરમાં સ્પેશિયલ સઘન સુધારણા ને લઈને ચાલતી ચર્ચાઓ વચ્ચે પીલીભીતમાં મતદાર યાદીમાં ગડબડ સામે આવતા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ તાત્કાલિક નોંધ લીધી હતી અને જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વિગતો શેર કરીને બે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ  અને એક વીઆરસી  ઓપરેટર સહિત ત્રણ લોકો સામે કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

પીલીભીત સદર વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં વ્યાપક અનિયમિતતાની ફરિયાદો મળ્યા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ પ્રાથમિક સઘન તપાસ કરાવતા તેમાં ચોંકાવનારી વિસંગતતાઓની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ તાત્કાલિક ધોરણે પીલીભીત વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી નોંધણી અધિકારી (ERO) અને વીઆરસી ઓપરેટરને મતદાર યાદી સંબંધિત તમામ કામગીરીમાંથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમની સામે ફોજદારી કાનૂની કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.

આ અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પત્રકાર પરિષદ યોજીને મતદાર યાદીના ખાસ સઘન સુધારા પછી કરવામાં આવેલા કથિત ફેરફારો અંગે તીખા પ્રહારો કર્યા હતા. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજેન્દ્ર પાલ ગૌતમ, રાજ્ય એકમના પ્રમુખ આરાધના મિશ્રા, રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે અને સાંસદ ઇમરાન મસૂદે ચૂંટણી પંચની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને જરૂર પડે કોર્ટના દરવાજા ખટખટાવવાની ચેતવણી પણ આપી હતી.

કોંગ્રેસ નેતા રાજેન્દ્ર પાલ ગૌતમે ચોંકાવનારો દાવો કર્યો હતો કે પીલીભીત સદર વિધાનસભા મતવિસ્તારના ૧૩,૧૫૦ મતદારોના વોટર આઈડી  નંબર અને સીરીયલ નંબર સમાન રાખીને તેમના નામો બદલી નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સ્થાનિક રહેવાસી હોવા છતાં ૮૮૪ મતદારોના નામો યાદીમાંથી કમી કરી દેવાયા હતા, જ્યારે વિસ્તારમાં ન રહેતા હોય તેવા ૨,૬૦૦ થી વધુ લોકોના નામ ગેરકાયદેસર રીતે ઉમેરી દેવામાં આવ્યા હતા.

કોંગ્રેસના જણાવ્યા અનુસાર, એક જ વિધાનસભા વિસ્તારમાં કુલ ૧૬,૫૫૪ મતોમાં ગંભીર ગડબડ સામે આવી છે. આ ઘટનાને પગલે હવે રાજ્યના અન્ય વિધાનસભા મતવિસ્તારોમાં પણ મતદાર યાદીઓની બારીકાઈથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેથી કરીને અન્યત્ર થયેલી આવી વિસંગતતાઓને શોધી શકાય. ચૂંટણી પંચની આ આકરી કાર્યવાહીથી વહીવટી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

(8:15 PM IST)