તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 1st May 2026
બાર્ગી ક્રુઝ દુર્ઘટનામાં મોટી કાર્યવાહી : પાઇલટ સહિત ચારની હકાલપટ્ટી, મેનેજર સસ્પેન્ડ
પર્યટકોના જીવ સાથે ખિલવાડ કરનારા બેદરકાર કર્મચારીઓ સામે લાલ આંખ, બરતરફી અને સસ્પેન્શનના ઓર્ડરથી પ્રવાસન વિભાગમાં ફફડાટ : જવાબદાર કોઈને પણ બક્ષવામાં આવશે નહીં તેવી સત્તાવાર જાહેરાત

જબલપુર: મધ્યપ્રદેશના જબલપુર સ્થિત બાર્ગી જળાશયમાં ગુરુવારે સાંજે સર્જાયેલી કરુણ ક્રુઝ દુર્ઘટનાએ સમગ્ર પ્રદેશને હચમચાવી દીધો છે. આ ઘટનાની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ૨૪ કલાકની અંદર જ એક્શન મોડમાં આવીને કડક સજાની જાહેરાત કરી છે. પ્રારંભિક તપાસમાં સુરક્ષાના ધારાધોરણોના ધજાગરા ઉડતા હોવાનું બહાર આવતા, મુખ્યમંત્રીના સીધા આદેશ પર ક્રુઝ ઓપરેશનમાં જોડાયેલા મુખ્ય જવાબદારો પર ગાજ પડી છે. સરકારના આ કડક વલણને પગલે પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓમાં પણ સોપો પડી ગયો છે.
વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીમાં સૌથી મોટો ફટકો ક્રુઝ પાઇલટ મહેશ પટેલ અને હેલ્પર છોટેલાલ ગોંડને પડ્યો છે, જેમની સેવાઓ તાત્કાલિક અસરથી કાયમી ધોરણે સમાપ્ત કરી દેવામાં આવી છે. તેમની સાથે ટિકિટ કાઉન્ટર ઇન્ચાર્જ બ્રિજેન્દ્રને પણ બેદરકારી બદલ ઘરભેગા કરવામાં આવ્યા છે. હોટલ મૈકલ રિસોર્ટ અને બાર્ગી બોટ ક્લબના મેનેજર સુનિલ મારાવીની ફરજમાં ક્ષતિ બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે પ્રાદેશિક મેનેજર સંજય મલ્હોત્રા સામે વિભાગીય તપાસના ચક્રો ગતિમાન કરી તેમને મુખ્યાલય સાથે જોડી દેવાયા છે.
મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, નિર્દોષ નાગરિકોના જીવને જોખમમાં મૂકનાર કોઈપણ વ્યક્તિ, પછી તે ગમે તેટલો મોટો અધિકારી કે કર્મચારી હોય, તેને છોડવામાં આવશે નહીં. તેમણે અસરગ્રસ્ત પરિવારો પ્રત્યે ઘેરી સંવેદના વ્યક્ત કરી છે અને પીડિતોને તમામ શક્ય સહાયની ખાતરી આપી છે. બાર્ગીની આ ઘટના બાદ હવે રાજ્યના અન્ય જળાશયોમાં ચાલતા ક્રુઝ અને બોટિંગ સેન્ટરો પર સુરક્ષા ઓડિટની તૈયારીઓ પણ તેજ કરી દેવામાં આવી છે.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
