તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
જમ્મુ-કાશ્મીરમાં નશીલા પદાર્થોના તસ્કર અને ભૂ-માફિયાઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી : કુખ્યાત 'બલોલ ખડ' ખાતે બુલડોઝર ફેરવી દેવાયુ
સાંબા જિલ્લામાં પોલીસ અને સિવિલ પ્રશાસનની ડ્રગ્સ માફિયાઓ અને ગેરકાયદેસર જમીન પચાવી પાડનારાઓ વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી:બિરપુરના બલોલ ખડ વિસ્તારમાં 50 કનાલ સરકારી જમીન પર તાણવામાં આવેલા 33 ગેરકાયદેસર બાંધકામોને જમીનદોસ્ત કરી દેવાયા

જમ્મુ-કાશ્મીર પ્રશાસન અને પોલીસે નશીલા પદાર્થોના તસ્કર તેમજ ભૂ-માફિયાઓ વિરુદ્ધ એક મોટી સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે. ‘નશા મુક્ત જમ્મુ-કાશ્મીર અભિયાન’ અંતર્ગત સાંબા જિલ્લાના બારી બ્રાહ્મણા વિસ્તારમાં આવેલા કુખ્યાત 'બલોલ ખડ' ખાતે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ વિસ્તાર લાંબા સમયથી હેરોઈનની હેરાફેરી અને સપ્લાય માટે બદનામ હતો, જેના પર તંત્રએ આકરા પ્રહારો કર્યા છે. આ કાર્યવાહી દ્વારા સરકારે ગુનેગારોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે યુવાધનને બરબાદ કરનારાઓને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં.
જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં પોલીસ અને સિવિલ પ્રશાસને મળીને ડ્રગ્સ માફિયાઓ અને ગેરકાયદેસર જમીન પચાવી પાડનારાઓ વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. બિરપુરના બલોલ ખડ વિસ્તારમાં આશરે 50 કનાલ સરકારી જમીન પર તાણવામાં આવેલા 33 ગેરકાયદેસર બાંધકામોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. આ ગેરકાયદેસર નિર્માણોમાં પાકા મકાનો, ઝૂંપડા અને પશુઓના શેડ સામેલ હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મુક્ત કરાવવામાં આવેલી આ સરકારી જમીનની બજાર કિંમત આશરે 60 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ આખી કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ધ્વસ્ત કરાયેલા ગેરકાયદેસર માળખામાં 8 કુખ્યાત ડ્રગ તસ્કરોના 'નાર્કો મહેલ' પણ સામેલ હતા, જેમનો ઉપયોગ મુખ્યત્વે હેરોઈન (ચિટ્ટા) સંગ્રહ કરવા, છુપાવવા અને તેનું નેટવર્ક ચલાવવા માટે થતો હતો. આ વિસ્તાર સતત પોલીસની રડારમાં હતો અને અહીં સક્રિય તસ્કરો વિરુદ્ધ 35થી વધુ એફઆઈઆર નોંધાયેલી છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીર પ્રશાસન નશામુક્ત સમાજના નિર્માણ માટે પ્રતિબદ્ધ છે, જેના ભાગરૂપે માત્ર ધરપકડ જ નહીં પરંતુ ગેરકાયદેસર સંપત્તિઓ પર પણ બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. આ અગાઉ 12 મેના રોજ પણ બાહૂ ફોર્ટ પોલીસે અવનીત સિંહ નામના એક શાતિર ગુનેગારને પિસ્તોલ, કારતૂસ અને 266.35 ગ્રામ હેરોઈન સાથે ઝડપી લીધો હતો, જેની સામે અગાઉથી જ 17 ગુનાઓ નોંધાયેલા હતા. સ્થાનિક તંત્રએ કડક ચેતવણી આપી છે કે આવી કડક કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
