<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

ગુલમર્ગમાં મોટો અકસ્માત ટળ્યો: હવામાં ગોંડોલા રોપવે બંધ થતાં ૩૦૦ પ્રવાસીઓના જીવ અધ્ધર : સેના અને પોલીસે શરૂ કર્યું રેસ્ક્યુ ઓપરેશન

અચાનક ટેકનિકલ ખામી સર્જાતા ૬૫ કેબિન હવામાં લટકી પડી: સીએમ ઓમર અબ્દુલ્લાની દેખરેખ હેઠળ પ્રવાસીઓને સુરક્ષિત બહાર કાઢવાની મથામણ

ગુલમર્ગ: જમ્મુ-કાશ્મીરના વિશ્વપ્રસિદ્ધ હિલ સ્ટેશન ગુલમર્ગમાંથી એક અત્યંત ચોંકાવનારા અને ડરામણા સમાચાર સામે આવ્યા છે. અહીં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર ગણાતી એશિયાની સૌથી ઊંચી ગોંડોલા કેબલ કાર (રોપવે) સેવા સોમવારે અચાનક એક મોટી ટેકનિકલ ખામીના કારણે હવામાં જ થંભી ગઈ હતી. પહાડો અને ખીણોની વચ્ચે દોડતી આ કેબલ કાર અચાનક બંધ થઈ જતાં તેના અલગ-અલગ ૬૫ કેબિનમાં સવાર આશરે ૩૦૦ જેટલા પ્રવાસીઓ હવામાં અધ્ધર ફસાઈ ગયા હતા. બરફથી ઢંકાયેલી ઊંડી ખીણોની ઉપર લટકી રહેલા કેબિનમાં હાજર મહિલાઓ અને બાળકો સહિતના પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને ચીસાચીસ થવા લાગી હતી.

ઘટનાની ગંભીરતાને જોતાં સ્થાનિક પ્રશાસન, જમ્મુ-કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાની ૯મી રાજપૂતાના રાઈફલ્સના જવાનો તાત્કાલિક એક્શન મોડમાં આવ્યા હતા. બચાવ ટુકડીઓએ દુર્ગમ પહાડી ભૂપ્રદેશ પર યુદ્ધના ધોરણે આધુનિક સાધનો સાથે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું છે. સત્તાવાર અહેવાલો મુજબ, અત્યાર સુધીમાં પ્રભાવિત ૬૫ કેબિનમાંથી ૧૬ કેબિન સુધી પહોંચીને અંદાજે ૮૦ મુસાફરોને અત્યંત સાવચેતીપૂર્વક હવામાંથી નીચે ઉતારી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જોકે, હજુ પણ સેંકડો મુસાફરો હવામાં લટકેલા હોવાથી ઓપરેશન વધુ ઝડપી બનાવવામાં આવ્યું છે.

રાજ્યના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પોતે આ સમગ્ર બચાવ કામગીરી પર સીધી નજર રાખી રહ્યા છે અને તેમણે અધિકારીઓને પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા કડક આદેશ આપ્યા છે. સ્થાનિક વહીવટીતંત્રે લોકોને ગભરાટ ન રાખવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. રોપવે લાઈનમાં સર્જાયેલી યાંત્રિક ખામીને સુધારવા માટે એન્જિનિયરોની ટીમ પણ ઘટનાસ્થળે સતત પ્રયાસ કરી રહી છે, જેથી બાકીના ફસાયેલા લોકોને પણ ટૂંક સમયમાં સલામત રીતે બહાર લાવી શકાય.

(6:31 PM IST)