તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 24th May 2026
અમૃતસર ગુરુદ્વારામાં મોટી દુર્ઘટના :શટરિંગની લોખંડની ભારે પ્લેટ અચાનક ધરાશયી થતા બે મહિલાઓના મોત :8 ઘાયલ
ગુરુદ્વારા સાહિબમાં ચૌપહેરા દરમિયાન મહિલાઓ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જાપ અને ધાર્મિક સેવાઓમાં જોડાયેલા

અમૃતસર સ્થિત ગુરૂદ્વારા શાહદ્દીન સાહિબ ખાતે કાર સેવા દરમિયાન મોટો અકસ્માત સર્જાયો. ગુરુદ્વારા પરિસરમાં લગાવવામાં આવેલી શટરિંગની ભારે લોખંડની પ્લેટ અચાનક નીચે ધરાશાયી થતાં ત્યાં હાજર સંગતમાં અફરાતફરી મચી ગઈ. આ દુર્ઘટનામાં બે મહિલાઓના મોત થયા છે, જ્યારે આશરે 8 મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ ગુરુદ્વારા સાહિબમાં ચૌપહેરા દરમિયાન મહિલાઓ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જાપ અને ધાર્મિક સેવાઓમાં જોડાયેલા હતા. એ દરમિયાન અચાનક શટરિંગની એક ભારે પ્લેટ નીચે પડી હતી, જેના કારણે નીચે બેઠેલી મહિલાઓ તેની ચપેટમાં આવી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત મહિલાઓને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલો ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આ અકસ્માતમાં બે મહિલાઓના મોત નિપજ્યા છે, જ્યારે બે થી ત્રણ મહિલાઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘટનાના સમયે તમામ મહિલાઓ ધાર્મિક કાર્યક્રમમાં વ્યસ્ત હતી. હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શું હતું અને તેમાં કોઈ બેદરકારી હતી કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટના બાદ વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને લોકો મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
