News of Monday, 6th July 2026
રાજસ્થાનના ચાર મોટા શહેરોના મુખ્ય ઉદ્યાનો હવે 'ડો. શ્યામા પ્રસાદ મુખર્જી પાર્ક' તરીકે ઓળખાશે: મુખ્યમંત્રી ભજનલાલ શર્માની મોટી જાહેરાત
રાજ્ય સરકારના આ નિર્ણયથી યુવા પેઢી રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપનાર મહાનુભાવોના આદર્શોથી પરિચિત થશે; ચારેય પાર્કમાં સ્થાપિત કરવામાં આવશે વિશેષ સ્મારકો

જયપુર: રાજસ્થાનની ભારતીય જનતા પાર્ટીની સરકારે રાજ્યના શહેરી વિકાસ અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાની દિશામાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સોમવારે સવારે એક વિશેષ વીડિયો સંદેશ દ્વારા જાહેરાત કરી હતી કે, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક, શિક્ષણવિદ્ અને ભારતીય જનસંઘના સ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિના ઉપલક્ષમાં રાજ્યના ચાર પ્રમુખ શહેરોના મહત્વના જાહેર ઉદ્યાનોનું નામ બદલીને તેમના નામ પર રાખવામાં આવશે.
નામકરણ સાથે સ્મારકનું પણ નિર્માણ
મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સ્પષ્ટતા કરી હતી કે આ માત્ર નામ બદલવાની પ્રક્રિયા નથી, પરંતુ તે ડો. મુખર્જીના રાષ્ટ્ર સમર્પિત જીવનને શ્રદ્ધાંજલિ આપવાનો એક પ્રયાસ છે. આ ચારેય ઉદ્યાનોમાં ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન કવન, તેમના આદર્શો અને દેશની એકતા તથા અખંડિતતા માટે તેમણે આપેલા બલિદાનને દર્શાવતા ભવ્ય સ્મારકોનું નિર્માણ કરવામાં આવશે. આ સ્મારકો દ્વારા આજની નવી પેઢીને તેમના જીવન વિશે માહિતી મળશે અને રાષ્ટ્રસેવાની પ્રેરણા પ્રાપ્ત થશે.
કયા શહેરોના પાર્ક બદલાયા?
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ નીચે મુજબના મુખ્ય ઉદ્યાનોના નામ હવે બદલાઈ ગયા છે:
જયપુર: અહીં આવેલ 'વુડલેન્ડ પાર્ક' હવે 'ડો. શ્યામા પ્રસાદ મુખર્જી પાર્ક' તરીકે ઓળખાશે.
જोधપુર: શહેરના વિવેક વિહાર કોલોનીમાં આવેલ 'સેન્ટ્રલ પાર્ક'નું નામકરણ ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના નામ પર કરવામાં આવ્યું છે.
કોટા: શિક્ષણનગરી કોટાના રામચંદ્રપુરા (અટવાલ નગર) સ્થિત પ્રમુખ પાર્ક હવે તેમના નામે ઓળખાશે.
ઉદયપુર: અહીંના સેક્ટર-૧૨ વિસ્તારમાં સ્થિત મુખ્ય પાર્કને પણ આ નવી ઓળખ આપવામાં આવી છે.
વિકસિત રાજસ્થાનનો સંકલ્પ
પોતાના સંદેશમાં મુખ્યમંત્રીએ રાજ્યની જનતાને સંબોધતા જણાવ્યું હતું કે, ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના આદર્શો પર ચાલીને જ આપણે એક મજબૂત અને વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરી શકીએ છીએ. તેમણે આ અવસરે પ્રદેશવાસીઓને 'વિકસિત ભારત' અને 'વિકસિત રાજસ્થાન'ના સંકલ્પને સિદ્ધ કરવા માટે એકજૂથ થઈને આગળ વધવા આહવાન કર્યું હતું. આ નિર્ણય બાદ રાજસ્થાનના વહીવટી તંત્ર દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં આ તમામ સ્થળો પર નામફેરની પ્રક્રિયા પૂર્ણ કરવા માટેના નિર્દેશો આપી દેવામાં આવ્યા છે.
(12:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
