તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
પતિને બાઈક અપાવવાના ચક્કરમાં નોકરાણીએ ખેલ પાડ્યો: દીકરીની એન્જિનિયરિંગ ફી માટે વકીલે સીલિંગના છૂપા ખાનામાં રાખેલા ૧૦ લાખ રૂપિયા તફડાવ્યા!
મુંબઈના બાન્દ્રામાં હાઈકોર્ટના એડવોકેટના ઘરમાં ચોરીની વિચિત્ર ઘટના: વૃદ્ધ દંપતીની કૅરટેકરે સફાઈ દરમિયાન નજરે પડેલી રોકડ પર હાથ માર્યો, પોલીસે તમામ રકમ કરી રિકવર

મુંબઈ : પોતાની લાડકી દીકરીના ભવિષ્ય અને એન્જિનિયરિંગના એડમિશનની ફી ભરવા માટે એક પિતાએ રાત-દિવસ એક કરીને ભેગા કરેલા રોકડા રૂપિયા પર ઘરની જ નોકરાણીએ ડોળો બગાડ્યો હોવાની ચંકાવનારી ઘટના મુંબઈના પોશ વિસ્તાર બાન્દ્રામાંથી સામે આવી છે. હાઈકોર્ટના ૪૯ વર્ષીય વકીલે સગાં-સંબંધીઓ અને મિત્રો પાસેથી ઉછીના લઈને ભેગા કરેલા ૧૦ લાખ રૂપિયા માતા-પિતાના બેડરૂમની છત (સીલિંગ) પર બનાવેલા એક ગુપ્ત ખાનામાં અત્યંત સુરક્ષિત રાખ્યા હતા. પરંતુ કૅરટેકર તરીકે કામ કરતી નોકરાણીએ પોતાના પતિને નવી બાઈક લઈ આપવાના હરખમાં આ આખી રકમ ગાયબ કરી દીધી હતી.
ઘટનાની વિગતો અનુસાર, વકીલની પુત્રીનું મેરિટ લિસ્ટમાં નામ આવ્યા બાદ ફીની રકમ બેંકમાં જમા કરાવવાની હતી. જ્યારે વકીલની પત્ની છૂપા ખાનામાંથી રકમ કાઢવા ગઈ ત્યારે ૧૦ લાખ રૂપિયા ગાયબ જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે બાન્દ્રા પોલીસ મથકે તાત્કાલિક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે બિલ્ડિંગના સીસીટીવી (CCTV) ફૂટેજ અને ગેટ પરના ગેસ્ટ એન્ટ્રી રજિસ્ટરની બારીકાઈથી તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે અઠવાડિયા દરમિયાન ફ્લેટમાં કોઈ જ બહારની વ્યક્તિ આવી નહોતી. જેથી આખરે ઘરમાં જ રહેતી કૅરટેકર તનુજા મંડલ પર શંકાની સોય ગઈ હતી.
પોલીસે કડક પૂછપરછ કરતા છેલ્લા એક વર્ષથી વૃદ્ધ દંપતીની સંભાળ રાખતી તનુજાએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેણે પોલીસ સમક્ષ સ્વીકાર્યું કે ઘરની સાફસફાઈ કરતી વખતે તેની નજર સીલિંગના આ છૂપા ખાના પર પડી હતી અને પતિ માટે બાઈક ખરીદવાની ઘેલછામાં તેણે આ રકમ તફડાવી લીધી હતી. જોકે, તેણે કબાટમાં મૂકેલા સોનાના દાગીનાને સ્પર્શ પણ કર્યો નહોતો. બાન્દ્રા પોલીસે આરોપી નોકરાણીની ધરપકડ કરીને ચોરી થયેલી તમામ રોકડ રકમ હસ્તગત કરી લીધી છે.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
