<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

તેલંગાણા કેડરના મહેશ દીક્ષિત બન્‍યા નવા IB ચીફઃ તપન ડેકાનું લેશે સ્‍થાન

દેશના ખુફિયા તંત્રમાં મોટો બદલાવ

નવી દિલ્‍હી તા.૨૬: દેશના ખુફિયા તંત્રમાં મોદી સરકારે મોટો બદલાવ કર્યો છે. તેલંગાણા કેડરના આઈપીએસ અધિકારી મહેશ દીક્ષિતને ઇન્‍ટેલિજન્‍સ બ્‍યુરો (IB)ના નવા ચીફ બનાવવામાં આવ્‍યા છે. તેઓ વર્તમાન ચીફ તપન ડેકાની જગ્‍યા લેશે, જેઓ ૧ જુલાઈ ૨૦૨૨થી આ પદ પર કાર્યરત હતા. મહેશ દીક્ષિતની નિમણૂક ૨ વર્ષ માટે કરવામાં આવી છે અને ભવિષ્‍યમાં સરકાર તેમના કાર્યકાળને એક્‍સટેન્‍શન પણ આપી શકે છે.

મહેશ દીક્ષિત ૧૯૯૩ બેચના તેલંગાણા કેડરના IPS અધિકારી છે. તેઓ હાલના સમયમાં IBમાં બીજા નંબરના પદ એટલે કે સ્‍પેશિયલ ડાયરેક્‍ટર તરીકે કાર્યરત છે. તેમને પહેલાથી જ વર્તમાન ચીફ તપન કુમાર ડેકાના સંભવિત ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યા હતા.

તેઓ લાંબા સમયથી IBમાં કામ કરી રહ્યા છે અને જોઈન્‍ટ ડાયરેક્‍ટરથી સ્‍પેશિયલ ડાયરેક્‍ટર બાદ હવે ડાયરેક્‍ટરના પદ સુધી પહોંચ્‍યા છે. મહેશ દીક્ષિત કાઉન્‍ટર-ટેરરિઝમ (આતંકવાદ વિરોધી) અને જમ્‍મુ-કાશ્‍મીર સંબંધિત ખુફિયા કામોના નિષ્‍ણાત માનવામાં આવે છે. ઇન્‍ટેલિજન્‍સ બ્‍યુરોમાં કામ કરતી વખતે તેઓ જમ્‍મુ-કાશ્‍મીરમાં IBની સ્‍ટેટ ઇન્‍ટેલિજન્‍સ યુનિટ (SIB)ના હેડ પણ રહી ચૂક્‍યા છે. તાજેતરના વર્ષોમાં તેઓ IB હેડક્‍વાર્ટરમાં ઓપરેશનલ જવાબદારીઓ સંભાળી રહ્યા હતા.

નોંધનીય છે કે, વર્તમાન ચીફ તપન કુમાર ડેકાનો કાર્યકાળ ૩૦ જૂન ૨૦૨૬ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. ડેકાની નિમણૂક ૨ વર્ષ માટે થઈ હતી અને તેમનો કાર્યકાળ ૩૦ જૂન ૨૦૨૪ના રોજ પૂરો થયો હતો. ત્‍યારપછી સરકારે તેમને એક-એક વર્ષ માટે બે વખત એક્‍સટેન્‍શન આપ્‍યું હતું. તેમનું બીજું એક્‍સટેન્‍શન પૂરું થાય તે પહેલા જ સરકારે તેમના ઉત્તરાધિકારીના નામની જાહેરાત કરી દીધી છે.

ઇન્‍ટેલિજન્‍સ બ્‍યુરો (IB) દેશની મુખ્‍ય આંતરિક ખુફિયા એજન્‍સી છે, જે ગૃહ મંત્રાલય હેઠળ કામ કરે છે. તેનું મુખ્‍ય કાર્ય દેશની અંદર સુરક્ષાને લગતા તમામ ખતરાની માહિતી એકત્ર કરવાનું અને તેમને રોકવાનું છે. તે આતંકવાદ, નક્‍સલવાદ, કોમી હિસા અને વિદેશી જાસૂસી પ્રવૃત્તિઓ પર નજર રાખે છે. ત્‍ગ્‍ કાઉન્‍ટર-ટેરરિઝમની નોડલ એજન્‍સી છે. તે વડાપ્રધાન અને અન્‍ય વીઆઈપી (VIP)ની સુરક્ષાના જોખમોનું મૂલ્‍યાંકન પણ કરે છે.

IB હ્યુમન ઇન્‍ટેલિજન્‍સ દ્વારા કામ કરે છે અને રાજ્‍યોની પોલીસ તથા અન્‍ય સુરક્ષા એજન્‍સીઓને જરૂરી ગુપ્ત માહિતી પૂરી પાડે છે. આ એજન્‍સીની સ્‍થાપના ૧૮૮૭માં અંગ્રેજોએ કરી હતી. IB દુનિયાની સૌથી જૂની ખુફિયા સેવાઓમાંથી એક છે. IB દેશમાં આંતરિક ગુપ્તચર પ્રવૃત્તિઓ સંભાળે છે, જ્‍યારે વિદેશી ગુપ્તચર બાબતોનું કામ રો (RAW) સંભાળે છે.

(3:59 PM IST)