<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th April 2026

મિસ ઇન્ડિયા 2026ની ગ્લેમરસ દુનિયામાં છવાઈ મહારાષ્ટ્રની રાજનંદિની પવાર, પ્રથમ રનર-અપનો ખિતાબ જીતી રાષ્ટ્રીય ફલક પર જમાવી ધાક

ફેમિના મિસ ઇન્ડિયાની 61મી આવૃત્તિમાં સાધ્વી સૈલ બની વિજેતા, જ્યારે મહારાષ્ટ્રની મલ્ટી-ટેલેન્ટેડ રાજનંદિની પવાર પ્રથમ રનર-અપ બનીને રાષ્ટ્રીય ફલક પર ચમકી

મુંબઈ: સૌંદર્ય અને બુદ્ધિ પ્રતિભાના મહાકુંભ સમાન 'ફેમિના મિસ ઇન્ડિયા 2026'ની ગ્રાન્ડ ફિનાલે શનિવારે રાત્રે મુંબઈમાં ઝાકઝમાળ રોશની વચ્ચે યોજાઈ હતી. આ પ્રતિષ્ઠિત સ્પર્ધાની 61મી આવૃત્તિમાં દેશભરના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવેલી 30 સુંદરીઓએ ભાગ લીધો હતો. ખરાખરીના જંગમાં સાધ્વી સતીશ સૈલે વિજેતાનો તાજ પોતાના નામે કર્યો હતો, પરંતુ આખી સાંજે જેમના આત્મવિશ્વાસ અને પ્રભાવશાળી વ્યક્તિત્વની સૌથી વધુ ચર્ચા થઈ તે મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનાર રાજનંદિની પવાર હતા, જેઓ પ્રથમ રનર-અપ તરીકે જાહેર થયા હતા.
રાજનંદિની પવાર માત્ર સુંદરતા જ નહીં પરંતુ બહુમુખી પ્રતિભાનું જીવંત ઉદાહરણ છે. ગ્રાન્ડ ફિનાલેના તમામ રાઉન્ડમાં તેણે પોતાની વૈચારિક સ્પષ્ટતા અને સંયમથી નિર્ણાયકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જીવનને કૃતજ્ઞતા અને સભાનતા સાથે જોવાની તેની ફિલસૂફીએ તેને અન્ય સ્પર્ધકોથી અલગ પાડી હતી. ઉચ્ચ દબાણવાળા વાતાવરણમાં પણ અત્યંત સરળતા અને પ્રમાણિકતા સાથે પોતાનું મંતવ્ય રજૂ કરવાની કળાએ રાજનંદિનીને રાષ્ટ્રીય સ્તર પર એક નવી ઓળખ અપાવી છે.
ખેલકૂદ અને કલાક્ષેત્રે પણ રાજનંદિનીનો દબદબો જોવા મળે છે. તે રાજ્ય સ્તરની કુશળ નૃત્યાંગના હોવાની સાથે સ્ક્વોશની ખેલાડી અને વિભાગીય સ્તરની તરવૈયા પણ છે. તેની આ રમતવીર તરીકેની શિસ્ત અને નૃત્ય પ્રત્યેનો સર્જનાત્મક જુસ્સો તેના વ્યક્તિત્વમાં સુમેળભર્યો નિખાર લાવે છે. પ્રથમ રનર-અપનો ખિતાબ જીત્યા બાદ રાજનંદિનીએ જણાવ્યું હતું કે, તેના માટે દરેક અનુભવ વ્યક્તિગત વિકાસની એક તક છે. હવે તે આગામી સમયમાં મોડેલિંગ અને સામાજિક કાર્યોના માધ્યમથી યુવા પેઢી માટે પ્રેરણારૂપ બનવા માંગે છે.

(11:31 AM IST)