<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

મહારાષ્ટ્રનું કાસ પઠાર બન્યું ચોમાસાનું સ્વર્ગ: કુદરતે પાથરી રંગબેરંગી ફૂલોની મનોરમ ચાદર, શીમલા-મનાલી છોડી પ્રવાસીઓ ઉમટ્યા

યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ કાસ પઠાર પર ૮૫૦થી વધુ પ્રજાતિના દુર્લભ ફૂલો ખીલી ઊઠ્યા; વીકેન્ડ ટ્રીપ માટે મુંબઈ અને પુણેના પ્રકૃતિપ્રેમીઓની પહેલી પસંદ

સતારા, તા.૧૭: જો તમે મનાલી કે શિમલા જેવા ભીડભાડવાળા હિલ સ્ટેશનોથી દૂર શાંતિ અને પ્રાકૃતિક સૌંદર્યની શોધમાં હોવ તો મહારાષ્ટ્રનું ‘કાસ પઠાર’ તમારા માટે ઉત્તમ વિકલ્પ છે. ચોમાસાની ઋતુમાં સહ્યાદ્રીના પહાડો વચ્ચે વસેલું કાસ પઠાર રંગબેરંગી જંગલી ફૂલોની ચાદરથી સજી ઊઠ્યું છે. દૂર દૂર સુધી ફેલાયેલી હરિયાળી વચ્ચે ગુલાબી, પીળા, જાંબુડી અને સફેદ ફૂલોનો અદભુત નજારો જોઈને જાણે કોઈ કુદરતી પેઇન્ટિંગ આકાર પામી હોય તેવો અહેસાસ થાય છે. ‘વેલી ઓફ ફ્લાવર્સ’ તરીકે જાણીતું આ સ્થળ હાલ પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં પશ્ચિમ ઘાટ પાસે આવેલું આ પઠાર પુણેથી માત્ર ૧૪૦ કિલોમીટર અને મુંબઈથી ૨૭૩ કિલોમીટરના અંતરે આવેલું છે, જેથી રોડ ટ્રીપ અને વીકેન્ડ પ્લાનિંગ માટે આ પરફેક્ટ ડેસ્ટિનેશન છે. કાસ પઠારની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં ફૂલ-છોડની ૮૫૦ થી પણ વધુ દુર્લભ અને સ્થાનિક પ્રજાતિઓ જોવા મળે છે. ઓગસ્ટના અંતથી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધીનો સમય આ સ્થળની મુલાકાત લેવા માટે સર્વોત્તમ માનવામાં આવે છે, જ્યારે અહીંના તમામ જંગલી ફૂલો પૂરેપૂરી ખીલેલી સ્થિતિમાં હોય છે.

આ વિસ્તારની અત્યંત નાજુક ઇકોસિસ્ટમને બચાવવા માટે વન વિભાગ દ્વારા દૈનિક ટૂરિસ્ટોની સંખ્યા પર નિયંત્રણ રાખવામાં આવે છે. જેથી અહીં જતા પહેલા ઓનલાઇન એન્ટ્રી પાસ અને નિયમો ચકાસી લેવા જરૂરી છે. પ્રકૃતિપ્રેમીઓ અને નેચર ફોટોગ્રાફીના શોખીનો માટે આ જગ્યા કોઈ સ્વર્ગથી કમ નથી. કાસ પઠારની સાથે સાથે અહીં આવતા પ્રવાસીઓ નજીકમાં આવેલા રમણીય કાસ તળાવ (Kaas Lake) અને ધસમસતા ઠોસેઘર ધોધ (Thoseghar Waterfall)ની મુલાકાત લઈને પોતાની સફરને વધુ યાદગાર બનાવી શકે છે.

(4:51 PM IST)